દિલ્હી-

મોદી કેબિનેટનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. કુલ ૪૩ મંત્રીઓએ શપથ લીધા. નવા પ્રધાનોમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશના ૭ અને ત્યારબાદ ગુજરાત અને કર્ણાટકના ૫ પ્રધાનોનો સમાવેશ થાય છે. આ સિવાય મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના ૪, બિહારના ૩ પ્રધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે જ સમયે મધ્ય પ્રદેશ, આસામ અને ઓડિશાના ૨-૨ પ્રધાનો ટીમ મોદીનો ભાગ છે.

મોદી કેબિનેટમાં જાતિગત સમીકરણ બનાવવાના પણ પ્રયાસો કરવામાં આવ્યા છે, જેમાં પછાત જાતિ એટલે કે ઓબીસી નેતાઓની વિશેષ કાળજી લેવામાં આવી છે. ૧૫ રાજ્યોના ૨૭ ઓબીસી મંત્રીઓ છે. ૮ રાજ્યોના ૧૨ દલિત પ્રધાનો, ૮ રાજ્યોના ૮ આદિજાતિ પ્રધાનો, ૫ રાજ્યોના ૫ લઘુમતી પ્રધાનોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.

વિસ્તરણ પહેલાં, મોદી કેબિનેટની સરેરાશ વય ૬૧ વર્ષ હતી, જે હવે ઘટીને ૫૮ થઈ ગઈ છે. ૧૪ પ્રધાનો ૫૦ વર્ષથી ઓછી ઉંમરના છે. તેમાંથી ૬ને કેબિનેટનો દરજ્જો આપવામાં આવ્યો છે. ૪૬ પ્રધાનો એવા છે જેમણે અગાઉ કેન્દ્રમાં મંત્રી પદની જવાબદારી સંભાળી છે. ૨૩ મંત્રી ઓછામાં ઓછા ત્રણ ટર્મ માટે સભ્ય રહીને ઓછામાં ઓછા ૧૦ વર્ષ સંસદીય કાર્યનો અનુભવ ધરાવે છે.

મોદી કેબિનેટ વિસ્તરણમાં જૂના ચહેરાઓને દૂર કરીને કેબિનેટમાં જે રીતે નવા અને યુવાન ચહેરાઓને સમાવવામાં આવ્યા છે, તે સ્પષ્ટ છે કે ભાજપ ભવિષ્ય માટે નેતૃત્વ તૈયાર કરી રહ્યું છે. મોદી સરકારમાં પહેલીવાર જીતીને આવેલા એક ડઝન યુવા નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. આગામી સમયમાં, આ નેતાઓ ચહેરો બનશે અને પાર્ટીને આગળ વધારવાનું કામ કરશે.

પશ્ચિમ બંગાળમાં ચાર ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં બે મંત્રીઓ ૪૦ વર્ષથી ઓછી ઉંમરના છે જ્યારે એક મંત્રી ૪૫ વર્ષના છે. નીસિથ પ્રમાણિક બંગાળના સૌથી યુવા પ્રધાન છે અને તે માત્ર ૩૫ વર્ષના છે. તો બીજી તરફ બંગાળના શાંતનુ ઠાકુરની ઉંમર માત્ર ૩૮ વર્ષ છે. તમિલનાડુથી એલ મુર્ગનને જગ્યા આપવામાં આવી છે જેની ઉંમર ૪૪ વર્ષ છે.

મહારાષ્ટ્રના ડો.ભારતી પ્રવીણ પવારને રાજ્ય પ્રધાન તરીકે સામેલ કરવામાં આવ્યા છે, જેમની ઉંમર ૪૨ વર્ષ છે. તો બીજી તરફ પ્રમોશન મેળવીને કેબિનેટ પ્રધાન બનનારા અનુરાગ ઠાકુર ૪૬ વર્ષ, મનસુખ માંડવિયા ૪૯ વર્ષ અને કિરેન રિજિજુ પણ ૪૯ વર્ષના છે.