ગુજરાતમાં આ વર્ષે ચોમાસું ૧૦ જૂન આસપાસ પ્રવેશ કરશે
11, મે 2025

ગાંધીનગર, ગુજરાતમાં હાલમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ એક અઠવાડિયું વહેલું બેસે તેવી સંભાવના હવામાન વિભાગના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના અંતર્ગત આ વર્ષે ગુજરાતમાં ૧૦ જૂનની આસપાસ ચોમાસું બેસે તેવી શક્યતા છે.ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહની કમોસમી વરસાદ (માવઠું) કાર્યરત છે જેના કારણે ચોમાસુ બેસે તે અગાઉ જ ગુજરાતમાં હાલના સંજાેગોમાં અંદાજિત સવા એક ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. ત્યારે એવી આગાહી કરવામાં આવી રહી છે કે, ગુજરાતમાં આ વર્ષે આગામી તા. ૧૦ જૂનની આસપાસ ચોમાસું પ્રવેશી શકે છે. એટલું જ નહીં, આ વર્ષે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.ગુજરાતમાં આમ તો સામાન્ય રીતે ચોમાસું ૧૫ જૂન બાદ પ્રવેશ કરતું હોય છે. પરંતુ આ વર્ષે વાતાવરણમાં એવા પલટા આવ્યા છે કે, જેને કારણે ગુજરાતમાં ચોમાસું વહેલા આવશે. તેમજ આ વર્ષનું ચોમાસું ધોધમાર રહે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં સૌ પ્રથમ કેરળમાં ચોમાસુ પ્રવેશ કરે છે. ત્યારે આ વર્ષે કેરળમાં વહેલું ચોમાસું આવી રહ્યું છે. ગત વર્ષે ૩૦ મેના રોજ ચોમાસું કેરળમાં પ્રવેશ કરી ગયું હતું. ત્યાર બાદ ૧૦મી જૂનના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણના કાંઠે આવીને અટકી ગયું હતું. તે પછી લગભગ એક પખવાડિયા બાદ એટલે કે તા. ૨૪ જૂનના રોજ ગુજરાતમાં ચોમાસાએ વેગ પકડ્યો હતો. ત્યાર બાદ ૨૭ જૂનથી સમગ્ર ગુજરાતમાં ચોમાસું છવાઇ ગયું હતું. પરંતુ આ વખતે ચોમાસું વહેલું આવે તે શક્યતા છે.ભારતની ભૂમિ પર ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત ત્યારે થાય છે જ્યારે તે દક્ષિણ ભારતના કેરળ રાજયમાં પહોંચે છે. સામાન્ય રીતે તા. ૧ જૂનની આસપાસ કેરળમાં ચોમાસાનો પ્રવેશ થઈ જતો હોય છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું તા. ૮ જુલાઈ સુધીમાં સમગ્ર દેશને છવાઈ જતું હોય છે. જ્યારે સામાન્ય રીતે તા. ૧૭ સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી પીછેહઠ કરવાનું શરૂ કરે છે અને ૧૫ ઓક્ટોબર સુધીમાં ચોમાસુ સંપૂર્ણપણે પીછેહઠ કરી લે છે.સૂત્રોના જણાવ્યા મુજબ, કેરળમાં ચોમાસાનું વહેલું કે મોડું આગમન થવાનો અર્થ એ નથી કે તે દેશના અન્ય ભાગોમાં પણ આ જ રીતે પહોંચશે. તે ખૂબ જ પરિવર્તનશીલ છે અને વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક પરિસ્થિતિઓ ઉપર આધાર રાખે છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા એપ્રિલમાં ૨૦૨૫ના ચોમાસા માટે સામાન્યથી વધુ કુલ વરસાદની આગાહી કરવામાં આવી હતી અને ભારતીય ઉપખંડમાં સામાન્યથી ઓછા વરસાદ સાથે સંકળાયેલ અલ નિનો સ્થિતિઓની શક્યતાને નકારી કાઢી હતી.આ વર્ષે ચાર મહિનાના ચોમાસા દરમિયાન ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન ૧૦૫ ટકા જેટલો વરસાદ પડી શકે છે, જે ૮૭ સેમીના સરેરાશ વરસાદ કરતાં વધુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેરળમાં પ્રવેશ કર્યા પછી દક્ષિણપશ્ચિમ ચોમાસું અલગ અલગ તારીખે તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને આસામ પહોંચે છે. ત્યાર બાદ તે જૂનના બીજા કે ત્રીજા સપ્તાહ સુધીમાં બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, યુપી, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, હિમાચલ, ઉત્તરાખંડ, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ અને મણિપુર જેવા રાજ્યોમાં પ્રવેશ કરે છે. સામાન્ય રીતે ચોમાસું તા. ૨૫ થી ૩૦ જૂનની આસપાસ દિલ્હી-એનસીઆર, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં પહોંચે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution