દિલ્હી-

દેશભરમાં કોરોનાના કેસ અને મોતના આંકડામાં અચાનક ઉછાળો આવી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૨ હજારથી વધુ કેસ નોંધાયા છે જ્યારે નવા ૩૯૯૮ મૃત્યુ નોંધાયા છે. અચાનક આવી ગયેલો આ ઉછાળો ચિંતાનું કારણ છે. કારણ કે ગઈ કાલે દેશભરમાંથી કોરોનાના ૩૦,૦૯૩ નવા કેસ નોંધાયા હતા અને ૩૭૪ દર્દીઓના મોત નોંધાયા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૨,૦૧૫ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો હવે ૩,૧૨,૧૬,૩૩૭ થઈ ગયો છે. ગઈ કાલે કોરોનાના નવા ૩૦,૦૯૩ કેસ નોંધાયા છે જે જાેતા આટલી મોટી સંખ્યામાં નવા કેસમાં વધારો ચિંતાજનક કહેવાય. એક દિવસમાં ૩૬,૯૭૭ લોકો કોરોનાથી રિકવર પણ થયા છે. દેશમાં કોરોનાથી કુલ રિકવર થયેલાઓની સંખ્યા ૩,૦૩,૯૦,૬૮૭ છે.આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૩,૯૯૮ લોકોના મોત થયા છે. આ આંકડો અત્યંત ચોંકાવનારો છે. કારણ કે ગઈ કાલે સરકારી આંકડા મુજબ દેશભરમાં કોરોનાથી કુલ ૩૭૪ મોત નોંધાયા હતા. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંક હવે ૪,૧૮,૪૮૦ પર પહોંચી ગયો છે.

ભારતમાં કોરોનાથી થતા મોતનો આંકડો ૩૯ દિવસ બાદ એકવાર ફરીથી ૪ હજાર નજીક પહોંચી ગયો છે. ૨૪ કલાકમાં ૩૯૯૮ દર્દીઓના મોત નોધાયા છે. આ અગાઉ ૧૧ જૂનના રોજ ૩૯૯૬ દર્દીઓના મોત ચોપડે નોંધાયા હતા. જાે કે આ મોતનો આંકડો અચાનક વધવા પાછળનું કારણ મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં જૂના મોતનો આંકડો જાેડવાના કારણે મોતની સંખ્યા આટલી વધી ગઈ છે. મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૪૭ દર્દીઓના મોત થયા છે જ્યારે ૩૫૦૯ જૂના મોતના આંકડાને અપડેટ કરાયો છે. આ અગાઉ બિહારમાં ૯ જૂનના રોજ જૂના મોતના આંકડાનો ઉમેરો થયો હતો ત્યારબાદ દેશમાં દૈનિક મોતનો આંકડો અચાનક ૬૧૩૯ થઈ ગયો હતો.