રાજકોટ-

વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને રાજ્ય સભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજ છેલ્લા ઘણા દિવસોથી કોરોના સામે જંગ લડી રહ્યા છે. તબિયતમાં સતત ઉતાર-ચઢાવ થયા કરે છે. ક્યારેક સુધારા ઉપર તો ક્યારેક ચિંતાજનક સ્થિતિમાં મુકાઇ જાય છે. છેલ્લાં કેટલાક દિવસથી તબિયત સ્થિર હતી પરંતુ ફરી લથડતા ચાટર્ડ પ્લેન દ્વારા ચેન્નઇ એમ.જી.હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા છે.

સાંસદ અભય ભારદ્વાજ કોરોનાની ઝપટે આવી ગયા બાદ રાજકોટ ઉપરાંત ગુજરાતના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા સારવાર થઇ રહી છે. આ અગાઉ સુરતથી ખાસ ચાટર્ડ પ્લેન દ્વારા તબીબોની પેનલ બોલાવવામા આવી હતી. એ પછી થોડા દિવસ સુધી તબિયતમાં સુધારો રહ્યો હતો. પરંતુ કાતિલ કોરોના સામેના જંગમાં સ્થિતિ સતત ઉતાર-ચઢાવ થઇ રહી છે. દરમિયાન ફરી એકવખત નાજુક હાલત જણાતા ખાસ ચાટર્ડ પ્લેન દ્વારા ચેન્નઇ લઇ જવાની વ્યવસ્થા કરવામા આવી છે. ચેન્નઇની એમ.જી. હોસ્પિટલમાં દેશના ટોચની હરોળમાં આવતા ડોકટર બાલકૃષ્ણન અને તેમની ટીમ દ્વારા સાંસદ અભય ભારદ્વાજની સારવાર કરવામા આવશે. ડો.બાલકૃષ્ણન ફેફસા માટેના દેશના ટોચના સુપર સ્પેશિયાલિસ્ટ છે. 

સાંસદ અભયભાઇ ભારદ્વાજને વધુ સારવાર માટે ચેન્નઇ લઇ જવાની જરૂરિયાત ઉભી થઇ હોવાના સમાચાર પ્રસરતા જ વકિલ સમાજ, રાજકીય વર્તુળો, તેમજ વિશાળ મિત્ર સર્કલમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. અભયભાઇ સાથે નાનાભાઇ નીતિન ભારદ્વાજ તેમજ પુત્ર અંશ પણ ચેન્નઇ જવા રવાના થશે. અગાઉ સુરતથી તબીબોને ચાર્ટડ પ્લેન મારફતે રાજકોટ બોલાવાયા હતા. સાંસદ અભયભાઇ ભારદ્વાજની તબીયત અગાઉ એક તબક્કે અત્યંત નાજુક બની ગઇ હતી ત્યાંરે સુરતથી નિષ્ણાંત તબીબોની ટીમને ચાર્ટડ પ્લેન મારફતે રાજકોટ બોલાવવામા આવ્યા હતા. એ પછી થોડા દિવસો સુધી તબિયતમાં સુધારો રહ્યો હતો. પરંતુ ત્યારબાદ તબિયત સતત ઉતાર-ચઢાવ થયા કરે છે. .