11, જુન 2023
વડોદરા, તા.૧૦
વડોદરા મ્યુનિ. કોર્પોરેશન તંત્ર તેની મુખ્ય કચેરીની સામે આવેલ વિસ્તારમાં જ શુદ્ધ પીવાનું પાણી આપવામાં નિષ્ફળ રહ્યું છે. રાજમહેલ રોડ પર આવેલ ખાડિયા પોળ અને તેની આસપાસની પોળોમાં દૂષિત અને ફીણવાળું પાણી છેલ્લા બે ત્રણ દિવસથી મળતાં સ્થાનિક રહીશોએ પાલિકા સામે રોષની લાગણી વ્યક્ત કરી હતી, અને દૂષિત પાણીના કારણે પોળમાં ૨૦ જેટલા ડાયેરીયાના કેસ નોંધાયા હોવાનું કહ્યું હતું. સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા આ સંદર્ભે અનેક રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતાં જાે ત્વરિત કામગીરી નહીં કરાય તો સ્થાનિકો સાથે આંદોલન કરવાની ચીમકી આપી હતી.
વડોદરા મ્યુનિ. કોર્પોરેશન શહેરના તમામ વિસ્તારમાં શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી આપવામાંં નિષ્ફળ રહ્યું છે. પાણી આપો - પાણી આપોના સૂત્રોચ્ચાર સાથે અનેક મોરચા પાલિકાની મુખ્ય કચેરી તેમજ વિવિધ વોર્ડ કચેરીએ આવતા હોય છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, પાલિકાની મુખ્ય કચેરીની બરાબર સામે આવેલા વિસ્તારમાં પણ પાલિકાતંત્ર શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ રહ્યું છે.રાજમહેલ રોડ ખાડિયા પોળ નં-૨માં છેલ્લા બે-ત્રણ દિવસથી દૂષિત એટલે ડ્રેનેજ મિશ્રિત તેમજ ફીણવાળું પાણી મળતાં કાળઝાળ ગરમીમાં દૂષિત પાણીના કારણે વિસ્તારમાં ૧૮ થી ૨૦ જેટલા ઝાડા-ઊલટીના કેસો નોંધાતાં રહીશોએ પાલિકાતંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક કાઉન્સિલર બાળુ સુર્વેને આ અંગેની જાણ કરાતાં તેઓ સ્થળ પર દોડી ગયા હતા અને દૂષિત પાણી સંદર્ભે તંત્રને રજૂઆત કરવા છતાં નિદ્રાધીન તંત્ર દ્વારા કોઈ કામગીરી કરાતી નથી તેમજ ખાડિયા પોળ નં-૨ની સાથે ખાડિયા પોળ-૧, પુનિત પોળ તેમજ આસપાસના કેટલાક વિસ્તારમાં પણ દૂષિત કે ઓછા પ્રેશરથી પાણી મળવાની સમસ્યા છે. આજે એકઠા થયેલા ખાડિયા પોળના રહીશોએ પાલિકાતંત્રની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમજ સમસ્યાનું નિરાકરણ ત્વરિત કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે જ પાલિકાની મુખ્ય કચેરી ખાતે હાથીખાના વિસ્તારના રહીશોનો મોરચો દૂષિત પાણી પ્રશ્ને પાલિકાની કચેરીએ આવ્યો હતો અને ધરણાં સાથે દેખાવો યોજ્યા હતા. ત્યારે સ્માર્ટ સિટીની વાતો વચ્ચે પાલિકા શહેરના તમામ વિસ્તારમાં હજી સુધી શુદ્ધ અને પૂરતું પાણી આપી શકી નથી તે સ્પષ્ટ છે.