મુંબઈ-

મુંબઇ પોલીસે રિપબ્લિક ટીવીના સીઈઓ વિકાસ ખાનચંદાનીની ધરપકડ કરી છે. આ ધરપકડ ફેક ટીઆરપી કેસમાં કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધી 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હંસા રિસર્ચના અધિકારી નીતિન દેવકરની ફરિયાદ બાદ મુંબઈ પોલીસે આ ફેક ટીઆરપી રેકેટ અંગે 6 ઓક્ટોબરે એફઆઈઆર નોંધી હતી. નવેમ્બરમાં અહીંની કોર્ટમાં મુંબઈ પોલીસે આ કૌભાંડ સંદર્ભમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી.

જણાવી દઈએ કે પોલીસના ક્રાઈમ ઇન્ટેલિજન્સ યુનિટ ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ એટલે કે ટીઆરપી કૌભાંડની તપાસ કરી રહી છે. આ મામલે અગાઉ પણ વિકાસ ખાનચંદાનીની અનેક વાર પૂછપરછ કરવામાં આવી હતી. વિકાસ ખાનચંદાની પહેલા પોલીસે વરિષ્ઠ પત્રકાર અને ચેનલના મુખ્ય સંપાદક અર્ણબ ગોસ્વામીની ધરપકડ પણ કરી હતી. જોકે બાદમાં કોર્ટે તેને જામીન આપી દીધા હતા. આ ફેક ટીઆરપી કૌભાંડ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે રેટિંગ એજન્સી બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલએ ફરિયાદ નોંધાવી કે કેટલીક ટીવી ચેનલો ટીઆરપીના આંકડામાં હેરાફેરી કરી રહી છે.