/
નડિયાદમાં પાલિકા સત્તાધારીઓનું કૌભાંડ ‘સ્પેશિયલ ૨૬’

નડિયાદ : નડિયાદ નગરપાલિકામાં ૨૦૧૪માં વિવિધ પદો પર ભરતી કરાયેલાં ૨૬ જેટલાં કર્મચારીઓને ગેરકાયદેસર રીતે સત્તારૂઢ પક્ષે ઘૂસાડ્યાં હોવાનો ચોંકાવનારો આક્ષેપ થયો છે. નગરપાલિકામાં સત્તાધારીઓના સગાં-વ્હાલાંઓને સરકારી નોકરી આપવાની લ્હાયમાં ભરતી માટે સમગ્ર રાજ્યમાંથી આવેલાં ૩૨૦૦ જેટલાં ઉમેદવારો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું કહેવાય રહ્યું છે. 

આ સમગ્ર બાબતે મળતી વિગતો અનુસાર, નડિયાદ નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૪માં વિવિધ પદો માટે ભરતી જાહેર કરાઈ હતી. આ ભરતી માટે પાલિકા દ્વારા સમાચારપત્રમાં જાહેરાત પણ આપવામાં આવી હતી. જાહેરાત આપ્યાં બાદ પાલિકાના આ પદો માટે ૩૨૦૦થી વધુ ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં શામેલ થવા માટે આવ્યા હતા. જાેકે, નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ ભરતીમાં કોને સ્થાન આપવુ તે પહેલાથી જ નક્કી હોય તેવો ઘાટ સર્જાયો હતો.

આક્ષેપ એવો પણ કરવામાં આવ્યો છે કે, આ ૨૬ પદોની આ ભરતી માટે અગાઉથી જ ચોકઠાં ગોઠવી દેવામાં આવ્યા હતા, જેમાં કયા પદ પર કયા ઉમેદવારની પસંદગી કરવી તે પણ નક્કી જ હોવાના આક્ષેપ ઊઠ્યાં છે. જે-તે સમયે આ ૨૬ ઉમેદવારોની ભરતી ૫ વર્ષ સુધી ફિક્સ પગારના ધોરણે કરાઈ હતી. આ સમગ્ર બાબતે ભરતી પ્રક્રિયાથી વંચિત રહેલા બાબુભાઈ પટેલે તા.૧૪ માર્ચ, ૨૦૧૮ના રોજ મ્યુનિસિપાલિટી કમિશનરને લેખિત રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં કૌભાંડના આક્ષેપ કર્યાં હતાં. મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી દ્વારા તા.૧૧ એપ્રિલ, ૨૦૧૮ના રોજ આ સંદર્ભે પત્ર વ્યવહાર કરાયો હતો. ત્યારબાદ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરે આ બાબતે મ્યનિસિપાલિટી કમિશનરને રિપોર્ટ સુપરત કર્યો હતો.

આ તમામ રજૂઆતો અને રિપોર્ટના આધારે મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી દ્વારા તા.૩ જુલાઈ, ૨૦૧૮ના રોજ ખેડા જિલ્લા કલેક્ટરને ઉદ્દેશી કાર્યવાહી કરવાના આદેશ કર્યા હતા, જેમાં જણાવ્યું હતું કે, બાબુભાઈ પટેલની અરજીને ધ્યાનમાં રાખતાં નડિયાદ નગરપાલિકા ખાતે ગેરકાયદેસર ભરતી લિસ્ટ ઊભું કરી ભરતી કરવા બાબતની રજૂઆત મ્યુનિસિપાલિટી કમિશનરને કરાઈ છે. તેમજ નિવાસી અધિક કલેક્ટર ખેડા-નડિયાદ દ્વારા મોકલાયેલાં અહેવાલમાં જણાવ્યાંનુસાર એસ.સી.એ. ૮૯૭/૨૦૧૨ના નામે નામદાર ગુજરાત હાઇકોર્ટના તા.૨૨/૦૮/૨૦૧૨ના ઓરલ ઓર્ડર સામે પીટીશનરને કોઈ વાંધો નથી, પરંતુ તે જ અપીલમાં તેમની સામે જાેડાયેલાં બીજા ચાર પક્ષકારોને નામદાર હાઇકોર્ટના ઓરલ ઓર્ડરથી ઉપરવટ જઈને નડિયાદ નગરપાલિકા દ્વારા તા.૯/૯/૨૦૧૪ના રોજથી નોકરીમાં રેગ્યુલર કરવામાં આવ્યા છે, જ્યારે અરજદાર બાબુભાઈ પટેલને રેગ્યલુર કરવામાં આવ્યા નથી. નામદાર હાઇકોર્ટનો ઓર્ડર તમામ પાંચેય પક્ષકારોને સમાન રીતે લાગું પડે છે. તેમ છતાં નડિયાદ પાલિકા દ્વારા અન્ય ચારને લાગું કરાયેલ નથી, તેમ અરજદારે રજૂઆત કરી છે.

વધુમાં કલેક્ટરને કરેલાં આદેશમાં જણાવ્યુ છે કે, રેકર્ડ ચકાસણી મુજબ ભરતી પ્રક્રિયાની પસંદગી સમિતિના સભ્યો દ્વારા તા.૧૦ ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ રોજકામ કરવામાં આવ્યુ છે. આ નિમણૂકો નામદાર હાઇકોર્ટની ઉપરવટ જઈ આપી હોવાથી તેને રદ્દ કરવાની થાય છે. મહેકમ વિભાગના તત્કાલિન મહેકમ ઈન્ચાર્જ દ્વારા પસંદગી સમિતિના સભ્ય સચિવ અને મુખ્ય અધિકારીને નામદાર હાઇકોર્ટના હુકમની જાણ કરી નથી, જેથી તત્કાલિકન મહેકમ ઈન્ચાર્જ રોહિતભાઈ પાલૈયાને બેદરકારી અને નિષ્કાળજી બદલ નોટિસ આપવામાં આવી હતી.

આ બાબતે મ્યુનિસિપાલિટીના નાયબ નિયામકે જણાવ્યંુ છે કે, તા.૪/૨/૨૦૦૪ના પરિપત્ર અનુસાર ભરતી પ્રક્રિયા નિયમોનુસાર થયેલી છે કે કેમ? તેની ચકાસણી સંબંધિત કલેક્ટરે કરવાની રહે છે. નિવાસી અધિક કલેક્ટર ખેડા દ્વારા આ નિમણૂંકો નામદાર હાઇકોર્ટના ઉપરવટ જઈને આપેલી હોવાથી તેને રદ્દ કરવાની થાય છે. જેને ધ્યાને લેતાં નિવાસી કલેક્ટર ખેડાના અભિપ્રાય અનુસાર નામદાર હાઇકોર્ટના ઉપવટ જઈ આપવામાં આવેલી નિમણૂકો રદ્દ કરવા અને તત્કાલિન મહેકમ ઈન્ચાર્જ રોહિતભાઈ પાલૈયા સામે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની જાેગવાઈઓ અનુસાર નિયમોનુસાર કાર્યવાહી કરી તેની વિગતો મ્યુનિસિપાલિટી કમિશનરની કચેરી અને અરજદાર સમક્ષ રજૂ કરવા આદેશ કરાયો હતો. આ આદેશમાં એમ પણ જણાવાયંુ હતું કે, સમગ્ર આદેશ કમિશનરે મંજૂર કરેલી નોંધ અનુસાર કરાયો છે.

રાજ્યના ૩૨૦૦ ઉમેદવારોમાંથી ફક્ત નડિયાદના જ ૨૬ની પસંદગી!?

આ કૌભાંડની બૂ ક્યાંથી આવે છે, જાણો છો? નડિયાદ પાલિકાએ જે-તે સમયે અખબારી જાહેરાત આપી ૨૬ બેઠકો પર ભરતી કરવા માટે ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યાં હતા. રેકર્ડમાં નોંધાયા મુજબ આખા રાજ્યમાંથી ૩૨૦૦ ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપ્યાં હતાં, પરંતુ ૩૨૦૦માંથી ૨૬ પદોની ભરતીમાં તમામ પદો પર નડિયાદના જ લોકોની પસંદગી થઈ હતી! તેમાં પણ મોટા ભાગના લોકો ૪૦ અને ૪૫ વર્ષની ઉંમર વટાવી ચૂકેલાં હતાં. એટલે સામાન્ય તર્ક મુજબ નડિયાદ બહારના ગુજરાત રાજ્યમાંથી આવેલાં તમામ ઉમેદવારો આ પદો માટે કાબેલ નહોતા? ત્યારે શું આ બાબત શક્ય છે? મેરીટ અને તાલીમની રીતે ફક્ત નડિયાદના જ ઉમેદવારો સક્ષમ હતા?

અધધધધ... કરોડોની લ્હાણી!?

આ સમગ્ર બાબતે જે-તે સમયે સત્તારૂઢોના સગા-વ્હાલાઓ સાથે લાખોના વહીવટ કરી તેમને નોકરી પર રાખવામાં આવ્યા હોવાની લોકવાયકાઓ ચાલી રહી છે. આ બાદ તેમને ગેરકાયદેસર રીતે પાંચ વર્ષ સુધી નોકરી પર રાખી કરોડો રૂપિયાનો પગાર ચૂકવી સરકારી નાણાંનો દૂરઉપયોગ કરાયો હોવાના પણ આક્ષેપ છે. તેમજ તેમને કાયમી કરવા માટે પણ મોટા વહીવટ થયાનો ગણગણાટ છે. આ મુદ્દે સુઓમોટો દાખલ કરી સીટનું ગઠન કરી તપાસ હાથ ધરાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાની શક્યતા છે.

અહો આશ્ચર્યમ્‌... ૨૦૧૯માં પ્રમુખ સ્થાનેથી જ ‘સ્પેશિયલ ૨૬’ને કાયમી કરાયાં!

આ સમગ્ર કૌભાંડમાં ચોંકાવનારી વિગતો એવી છે કે, નડિયાદ નગરપાલિકાની તા. ૩ ઓક્ટોબર, ૨૦૧૯ની સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી આ ‘સ્પેશિયલ ૨૬’ની કાયમી નિમણૂકને બહાલી આપવાનો આશ્ચર્યજનક ર્નિણય લેવાયો હતો. ૨૦૧૮માં જ મ્યુનિસિપાલિટી કમિશનરની કચેરી દ્વારા આ ગેરકાયદેસર ભરતી રદ્દ કરવાના આદેશ કરાયાં હતાં ત્યારે આ આદેશ ધ્યાનમાં હોવા છતાં સામાન્ય સભામાં નગરપાલિકાના પ્રમુખ દિપીકાબેન પટેલનાં પ્રમુખ સ્થાને લેવાયેલાં એજન્ડામાં પ્રથમ મુદ્દામાં જ તેમણે નગરપાલિકાના નિયામકના ૨૦૦૬ના પત્ર અને નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક ઃ ખરચ/૨૦૦૨/૫૭(પાર્ટ-૨) ઝ-૧, સચિવાલય ગાંધીનગરના નિયામકના હુકમને ખોટી રીતે વેતરી સમાચારપત્રમાં જાહેરાત આપી પાલિકાએ વિવિધ પદોના ઇન્ટરવ્યૂ લઈ નક્કી કરેલી પસંદગી સમિતિ દ્વારા ૯/૯/૨૦૧૪ હુકમ અનુસાર વર્ગ ૩/૪ના કર્મચારીઓને પાંચ વર્ષના ફિક્સ પગાર પર નિમણૂંક આપ્યાં બાદ ૧૯/૯/૨૦૧૯ના રોજ પાંચ વર્ષનો સમયગાળો પૂર્ણ થઈ જતાં તેમને કાયમી નિમણૂકનો હુકમ કરવાનો ર્નિણય લીધો હતો.

કોણ છે આ ‘સ્પેશિયલ ૨૬’

સેનેટરી સબ ઇન્સ્પેક્ટર

દિનેશભાઈ આર. જાેષી

મયંક એમ. દેસાઈ

ફિલ્ડવર્કર

રફિકભાઈ ચુનિયા

શેખ મહંમદ કાસમ મૌલવી

સિદ્દીકભાઈ શેખ

નયનભાઈ એ. પટેલ

રમણભાઈ એ. શાભઈ

મહંમદ આરિફ આર. મલેક

દેવેન્દ્રભાઈ એમ. પટેલ

જયેશભાઈ એસ કા.પટેલ

મિતુલભાઈ એન. ગાંધી

ડ્રાયવર

રાકેશભાઈ આર. શર્મા

મહેશભાઈ એ. દલવાડી

અશોકભાઈ આર. શર્મા

કાશીરામ જાદવ

કમલેશભાઈ વી. રબારી

હિતેશભાઈ એમ. રબારી

હેમરાજભાઈ આર. રબારી

હેમંતભાઈ બી. સોઢા

ઇલેક્ટ્રિશિયન

ઘનશ્યામભાઈ આર. પટેલ

બાબુભાઈ આર. પટેલ

સર્વેયર

વિજયભાઈ આર. પ્રજાપતિ

ડ્રાફ્ટસમેન

દેવેન્દ્રભાઈ એમ. પટેલ

ઉપરોક્ત ૨૬ નામોમાં બાબુભાઈ આર. પટેલની નિમણૂક કરાઈ નહોતી, જેનાં કારણે તેમણે આ સમગ્ર બાબતે મ્યુનિસિપાલિટી કમિશનરમાં ફરિયાદ કરી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution