વડોદરા

23 માર્ચને દેશમા શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજ્યમાં પ્રથમ વખત કોઇ શૈક્ષણીક સંસ્થામાં વીર શહીદ ભગસસિંહ, રાજગુરૂ અને સુખદેવની પ્રતિમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં મુકવામાં આવી છે. આજે વીર શહીદોને શ્રદ્ધાંજલી આપવા મુદ્દે યુનિ. કેમ્પસમાં બે જુથ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. વિજીલન્સના સ્ટાફે મહા મહેનતે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે રાજ્યમાં પ્રથમ વખત શૈક્ષણીક સંસ્થામાં વીર શહીદ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવની પ્રતિમાં મુકવામાં આવી છે. યુનિ.માં વર્ષ 2016 – 17 માં કોમર્સ ફેકલ્ટીમાં એફ.જી.એસ. કશ્યપ ઠક્કરના કાર્યકાળ દરમિયાન વીર શહીદની મુર્તિ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તત્કાલીન એફ.જી.એસ રાકેશ પંજાબીના કાર્યકાળ દરમિયાન 2018 – 19 વીર શહિદોની મુર્તિ મુકવાનું કામ પુર્ણ કરાયું હતું.

આજે 23 માર્ચના રોજ શહીદ દિવસ હોવાના કારણે એ.જી.એસ.યુ જુથ દ્વારા વીર શહિદના સ્મારકોનું અનાવરણ અને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. જો કે, આજે સવારે એ.જી.એસ.યુ જુથના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમ યોજાય તે દરમિયાન એ.બી.વી.પી. જુથના વિદ્યાર્થીઓ શ્રદ્ધાંજલી આપવા પહોંચ્યા હતા. એક સાથે બે જુથો એ જ સ્થળે એક જ કાર્યક્રમમાં એકઠા થાવાને કારણે મામલો ગરમાયો હતો.

એ.બી.વી.પી. જુથના વિદ્યાર્થીઓ અને એ.જી.એસ.જી.ના પુર્વ યુ.જી.એસ. રાકેશ પંજાબી સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. એટલું જ નહિ બંને જુથના વિદ્યાર્થીઓએ એકબીજા સાથે તોછડાઇ ભર્યુ વર્તન કરતા વાતાવરણ તંગ બન્યું હતું. જો કે, ઘટનાની જાણ થતાની સાથે વિજીલન્સનો સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો હતો. અને બંને જુથોના વિદ્યાર્થીઓને શાંત કરવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. એક તબક્કે વિદ્યાર્થી જુથ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. મામલો વધુ ઉગ્ર થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ભારે જહેમત બાત મામલો થાળે પડ્યો હતો.

પુર્વ યુ.જી.એસ રાકેશ પંજાબીએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમારા જુથ દ્વારા વીર શહિદની પ્રતિમાનું અનાવરણ અને શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ રાખ્યો હતો. જેની અમે યુનિ. પાસેથી પુર્વ મંજુરી પણ લીધી છે. અમે કાર્યક્રમ શરૂ કરીએ તે દરમિયાન એબીવીપી દ્વારા પ્રતિમાની આસપાસ તેમના ઝંડાઓ લગાડવામાં આવ્યા હતા. જેને લઇને અમે વિરોધ કર્યો હતો. ત્યાર બાદ મામલો બીચકતા ઉગ્રબોલાચાલી થઇ હતી. આજે જે ઘટના ઘટી છે તેને હું વખોડી કાઢું છું.

જો કે બીજી તરફ એબીવીપી જુથના વિદ્યાર્થી નેતાએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, વીર શહિદ ની ઉજવણી તમામ લોકો કરી રહ્યા છે. અમે આજે સવારે શહિદોની પ્રતિમાને શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ રાખ્યો હતો. દરમિયાન બીજા જુથે આવીને સસ્તી પ્રસિદ્ધી મેળવવાના પ્રયાસો કર્યા હતા. અને તાનાશાહી પુર્ણ વ્યવહાર કર્યો હતો.