વડોદરા, તા. ૧૫

શહેરના છેવાડે આવેલા દેણા ચોકડી પાસેના પેટ્રોલપંપ પર આજે બપોરે પેટ્રોલ ભરાવવા માટે ઉભા રહેલા જિલ્લા પોલીસના એક કોન્સ્ટેબલની સતકર્તાથી સ્વીફ્ટ કારમાં ભરેલો ૯૫ કિલોથી વધુનો ગાંજાે ઝડપાયો હતો. ઓટોરિક્ષામાં પાયલોટીંગ કરીને ગાંજાને કારમાં અમદાવાદ લઈ જતો મુખ્ય સુત્રધાર પોલીસ કામગીરીને જાેતા જ ફરાર થયો હતો. આ બનાવની હરણી પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ ગાંજાના જથ્થા સાથે બેની અટકાયત કરી ગાંજાે અને કાર સહિતનો મુદ્દમાલ જપ્ત કર્યો હતો.

અમદાવાદના જુંહાપુરા વિસ્તારના ફતેહવાડીમાં રહેતો ઉસ્માન નુરમીંયા મલેક રિક્ષાડ્રાઈવીંગ કરે છે. ગઈ કાલે તેને તેના પરિચિત અમદાવાદના શાહનવાઝે વડોદરાથી આગળ પોર પાસેથી ગાંજાે લાવવાનો છે તેની વર્દી મારવા કહ્યું હતું. ત્યારબાદ શાહનવાઝેે અમદાવાદથી ભાડાની સ્વીફ્ટ કાર લીધી હતી અને કાર ઉસ્માનને ચલાવવા માટે આપી હતી અને તેની સાથે મહેસાણાના વીજાપુરમાં રહેતો રમેશ માનસીંગ ઠાકોર પણ ઉસ્માન સાથે કારમાં આવ્યો હતો જયારે શાહનવાઝે અમદાવાદથી ઓટોરિક્ષામાં પાયલોટીંગ કર્યું હતું.

શાહનવાઝે પોર પાસે ઉસ્માન અને રમેશને ઉભા રહેવા માટે જણાવ્યું હતું અને ત્યારબાદ તે રિક્ષા લઈને રવાના થયો હતો અને થોડીવાર બાદ રિક્ષામાં નાની મોટી પ્લાસ્ટીકની થેલીઓમાં લીલો-સુકો ગાંજાનો જથ્થો લઈને આવ્યો હતો અને તેને સ્વીફ્ટ કારની પાછળની સીટ પર મુકી હતી અને ત્યારબાદ ફરીથી રિક્ષામાં પાયલોટીંગ કરીને કારને અમદાવાદ તરફ લઈ જવા માટે નીકળ્યો હતો. દરમિયાન તેઓ શહેરના છેવાડે દેણા ચોકડી પાસે પહોંચતા કારમાં પેટ્રોલ અને ગેસ ખલાસ થતાં ઉસ્માન મલેક કારને દેણાચોકડી પાસે રોડ ક્રોસ કરીને પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા માટે ગયો હતો જયારે શાહનવાઝ સામેના રોડ પર રિક્ષામાં તેઓની રાહ જાેવા માટે ઉભો રહ્યો હતો.

ઉસ્માન પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવતો હતો તે સમયે ત્યાં જિલ્લા પોલીસનો એક કોન્સ્ટેબલ પણ બાઈકમાં પેટ્રોલ પુરાવવા માટે આવ્યા હતા. આ પોલીસ કોન્સ્ટેબલે સ્વીફટ કારની પાછળની સીટ પર શંકાસ્પદ લાગતા લીલા-સુકા પાંદડાનો જથ્થો જોતાં તેણે તુરંત કારચાલકને આંતરીને ઉભો રખાવ્યો હતો અને કારમાં તપાસ કરી હતી. કારમાં ગાંજાે હોવાની જાણ થતાં કોન્સ્ટેબલે જિલ્લા પોલીસના અધિકારીઓને જાણ કરતા તેઓ પેટ્રોલપંપ પર દોડી આવ્યા હતા. જાેકે પેટ્રોલપંપ હરણી પોલીસની હદમાં આવતો હોઈ આ અંગેની હરણી પોલીસને જાણ કરાઈ હતી જેને પગલે પીઆઈ સી.બી.ટંડેલ સહિતો સ્ટાફ પેટ્રોલ પર દોડી ગયો હતો.

કારમાં ગાંજાે હોવાની વિગતો મળતાં એફએસએલની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. કારમાં ગાંજાે હોવાનું સપાટી પર આવતા પોલીસે કારમાંથી ૯.૫૧ લાખથી કિંમતનો ૯૫.૧૦૦ કિલો ગાંજાનો જથ્થો અને સ્વીફ્ટ કાર અને મોબાઈલ ફોન સાથે ઉસ્માન મલેક અને રમેશ ઠાકોરની ધરપકડ કરી હતી. આ બંનેએ તેઓ શાહનવાઝના કહેવાથી ગાંજાે લાવી તેની ખેંપ મારતા હોવાનું કહેતા પોલીસે શાહનવાઝને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.