વડોદરા, તા.૧૧

ઉનાળાની ઋતુમાં શહેરીજનોને પુરતા પ્રમાણમાં પુરતા પ્રેશરથી પાણી આપી નહી શકનાર વડોદરા કોર્પોરેશન દ્વારા હવે બંધ સ્વમિંગ પુલો ફરી શરૂ કરવા માટે ફાયર બ્રિગેડની પાણીની ટેન્કરો દ્વારા પાણી ભરાવવાનો વખત આવ્યો છે. સ્કૂલોમાં વેકેશન શરૂ થયું હોવા છતાં, સ્વિમિંગ પુલો પાણીના અભાવના કારણે શરૂ ન થઇ શકતા પાલિકા દ્વારા સ્વિમિંગ પુલ શરૂ કરવા હવે ફાયરની ટેન્કરો દ્વારા રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ ભરવાની શરૂઆત કરી છે. જાેકે, આ સ્વિમિંગ પુલમાં ૪૦ જેટલી ટેન્કર પાણી ઠાલવવામાં આવ્યુ છે, પરંતુ હજી સુધી ૧૦ ટકા સ્વિમિંગ પુલ પણ ભરાયો નથી, તેમ જાણવા મળે છે. બીજી તરફ લાલબાગ સ્વિમિંગ પુલ પણ ટેન્કરોથી ભરવાનો શરૂ કરાયો છે.

વાર્ષિક પરીક્ષા પૂર્ણ થતા શહેરની મોટા ભાગની સ્કૂલોમાં વેકેશન પડી ગયું છે. ઉનાળુ વેકેશનમાં અનેક લોકો સ્વિમિંગ શીખવા માટે જતા હોય છે. તો કેટલાંક સ્મીમરો હેલ્થ માટે સ્વિમિંગ કરતા હોંય છે. જાેકે, ઉનાળો શરૂ થવા છતા આ વખતે પાલિકા હસ્તકના ૨ બેબી સ્વિમીંગ પુલો સહિત ૬ સ્વિમિંગ પુલો પૈકી માત્ર ૨ બેબી અને કારેલીબાગ સ્વિમિંગ પુલોજ કાર્યરત છે.જ્યારે સરદારબાગ, લાલબાગ અને રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ બંધ હોવાથી તાકીદે શરૂ કરવાની માગ કરાઈ હતી. જાેકે, ત્રણે સ્વિમિંગ પુલના રીપેરીંગ બાદ તેમાં પાણી ભરવાની સુચના આપવામાં આવી છે.

ત્યારે પાલિકા પૂર્વ વિસ્તારમાં પુરતા પ્રમાણમાં પાણી પૂરું પાડી શકતું નથી. પૂર્વના અનેક વિસ્તારોમાં પાણીની હજી સમસ્યા છે.ત્યારે પાલિકા દ્વારા પૂર્વ વિસ્તારના રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ ભરવા માટે પણ પાણી આપી ન શકતા સ્વિમિંગ પુલ શરૂ થઇ શક્યો નથી. સ્વિમિંગ પુલમાં પાણી ન હોવાના કારણે શરૂ ન થઇ શકતા વિસ્તારના લોકોની સ્વિમિંગ પુલ શરૂ કરવા માટે માંગ ઉઠી હતી.

પાલિકા દ્વારા ટાંકી માંથી રાજીવ ગાંધી સ્વિમિંગ પુલને પાણી આપે શકે તેવી સ્થિતિમાં ન હોવાથી ફાયર બ્રિગેડની મદદ લઇને સ્વિમીંગ પુલમાં પાણી ભરવામાં આવી રહ્યુ છે. ફાયર બ્રિગેડ દ્વારા પાલિકાની પાણીની ટાંકી વડીવાડી અને ટીરી-૧૩ની ટાંકી ઉપરથી ટેન્કરો ભરી લાવીને સ્વિમિંગ પુલમાં પાણી ઠાલવી રહી હોવાનું જાણવા મળે છે. જાેકે, રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલ ત્રણ મહિનાથી બંધ હાલતમાં હતો. રિપેરીંગ કામ ૧૭ માર્ચે પૂરું થયું છે, એ પછી ૨૫ દિવસ સમય થયો છે, પરંતુ હજુ સુધી સ્વિમિંગ પુલ ચાલુ થઈ શક્યો નથી. તેનુ કારણ એ છે કે, પૂર્વ વિસ્તારમાં હાલ પાણીની તકલીફ છે. તાજેતરમાં આજવાથી આવતી પાણીની લાઈન તૂટી જતા આશરે પાંચ લાખ લોકો બે-ત્રણ દિવસ પાણી વિના રહેવું પડ્યું હતંુ. રિપેરીંગ શરૂ થયા બાદ પાણી પુરવઠો ધીમે ધીમે પૂર્વવત થઈ રહ્યો છે. કોર્પોરેશનના તંત્ર દ્વારા પણ લોકોને સ્વિમિંગ પૂલ કરતા પાણીની સુવિધા પૂરી પાડવા પ્રાથમિકતા આપવા સૂચના આપવામાં આવી છે. આ સ્વિમિંગ પૂલને નાલંદા ટાંકીમાંથી પાણી મળે છે પરંતુ તેના સંપમાં જ પાણી પૂરતું ભરાતું નથી, તો પછી સ્વિમિંગ પૂલને પાણી ક્યાંથી આપી શકે? જેથી ફાયરના ટેન્કરો દ્વારા પાણી ભરવામાં આવી રહ્યાનું કહેવાય છે. બીજી તરફ લોકો કહે છે, શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ પાણીની તકલીફ છે. લોકો પૂરતું પાણી નહીં મળતું હોવાથી ટેન્કરો દ્વારા પાણી મંગાવે છે, પરંતુ ટેન્કરો પણ સમયસર પહોંચતી નથી. જેથી લોકો જગનું વેચાતું પાણી લે છે.

હજી પૂર્વનાં અનેક વિસ્તાર પાણી વગરના

ટેન્કરોની મદદ લઇને સ્વિમિંગ પુલમાં પાણી ભરવા બાબતે કાઉન્સિલર આશિષ જાેષીએ જણાવ્યું હતું કે, પૂર્વ વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી આવતું હોવાથી પાલિકા દ્વારા ફાયર બ્રિગેડની મદદથી સ્વિમિંગ પુલમાં પાણી ભરવામાં આવી રહ્યું છે. લોકોને પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે પાલિકાએ ધ્યાન રાખવું પડશે. ગત તા.૨૮મીએ પૂર્વના વિસ્તારોમાં પાણી મળ્યું ન હતું. વોર્ડ-૧૫ના કેટલાક વિસ્તારોમાં હજી પાણીની સમસ્યા છે. ત્યારે આટલી જ ટેન્કરોથી આ વિસ્તારને પાણી કેમ અપાતું નથી? સ્વિમિંગ પુલનો ઉપયોગ ૫૦૦-૬૦૦ લોકો કરશે, પરંતુ વોર્ડમાં એક લાખ નાગરિકો છે.