વડોદરા, તા. ૧૨

તરસાલીના મોતીનગરમાં પત્ની અને એક સંતાન સહિતના સંયુક્ત પરિવારમાં રહેતા ૩૦ વર્ષીય ફાયનાન્સર જયમીન વિનોદભાઈ પંચાલ લોકોને નાણાં ધીરવાનું કામ કરતો હતો. ગત ૩૧મી તારીખના સાંજે જયમીન તેની બાઈક લઈને ઘરેથી નીકળ્યા બાદ ભેદી સંજાેગોમાં ગુમ થયો હતો. મોડી રાત સુધી તે ઘરે પરત નહી ફરતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી પરંતું તેના કોઈ સગડ નહી મળતા આખરે મકરપુરા પોલીસને જયમીનના ગુમ થવાની જાણ કરાઈ હતી. ફાયનાન્સનું કામ કરતો યુવક ભેદી સંજાેગોમાં ગુમ થતાં બનાવની ગંભીરતા જાેઈ પીઆઈ જે.એન.પરમારે ઘનિષ્ટ તપાસ શરૂ કરી હતી.

પોલીસે જયમીનના મોબાઈલ ફોનના લોકેશનની તપાસ કરી હતી જેમાં છેલ્લું લોકેશન તરસાલી બાયપાસ પાસેના રહેણાંક વિસ્તારોમાં દેખાયું હતું. આ વિગતોના પગલે પોલીસે તરસાલી હાઈવે પાસેના સીસીટીવી કેમેરાના ફુટેજની ચકાસણી કરી હતી જેમાં જયમીન ગુમ થયા બાદ તેની બાઈક લઈને એક બુકાનીધારી યુવક તરસાલી વિસ્તારમાં અવર જવર કરતા નજરે ચઢતા પોલીસે સીસીટીવી કેમેરાની કડીઓ એકઠી કરી હતી અને બાઈકને એક ગેરેજમાંથી ઝડપી પાડ્યું હતું. આ બાઈકને જયમીનનો ખાસ મિત્ર અને જીમટ્રેનર સતીષ વસાવાએ ગેરેજ માલિકને વેંચી હોવાની વિગતો મળતા જ પોલીસે ગઈ કાલે સતીષ વસાવાની અટકાયત કરી હતી.

પોલીસે સતીષની કડકાઈથી ઉલટતપાસ કરતાં તેણે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે ગત ૩૧મી તારીખના સાંજે તેણે જયમીનને પોતાના ઘરે દારૂની પાર્ટી કરવા માટે બોલાવ્યો હતો અને જયમીનને ચિક્કાસ દારૂ પીવડાવ્યા બાદ તેણે જયમીનના મોંઢા પર બળપુર્વક ઓશિંકુ દબાવી રાખી તેની ઠંડા કલેજે હત્યા કરી હતી અને તે જ રાત્રે તેની લાશને તેની માતાની મદદથી મોપેડના કવરમાં લપેટીને જયમીનના બાઈક પર મુકી હતી અને ત્યારબાદ હાઈવે પર માતાને બાઈક પરથી ઉતારીને રિક્ષામાં રવાના કર્યા બાદ તે એકલો લાશને બાઈક પર આગળ ટાંકી પાસે મુકીને ધનિયાવી પાસેથી પસાર થતી નર્મદાની એપ્રોચ કેનાલમાં ફેંકી દીધી છે.

જયમીનની હત્યાનો ઘટસ્ફોટ થતાં થતા પરિવારજનો સાથે પોલીસ ચોંકી ઉઠી હતી. હત્યાના કારણ અંગે સતીષે જણાવ્યું હતું કે તેની જયમીન સાથે ત્રણેક વર્ષથી મિત્રતા હોઈ તેણે જયમીન પાસેથી અત્યાર સુધી ટુકડે ટુકડે દોઢેક લાખ ઉધાર લીધા છે. જાેકે જયમીન નાણાંની કડકાઈથી ઉઘરાણી કરતો હોઈ અને આ મુદ્દે બોલાચાલી પણ થતાં તેણે જયમીનને નાણાં પરત આપવા ના પડે તે માટે હત્યાનું કાવત્રુ ઘડ્યું હતું અને તે મુજબ ૩૧મી તારીખના મોડી સાંજે પોતાના ઘરે દારૂની પાર્ટી કરવા માટે બોલાવ્યો હતો અને જયમીનને ચિક્કાર દારૂ પીવડાવીને તક મળતા તેની હત્યા કરી હતી. આ વિગતોના પગલે પોલીસે સતીષ અને તેની માતા વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે.

જિમમાં થયેલી મિત્રતા મોત સુધી દોરી ગઈ

જયમીન પંચાલ ત્રણેક વર્ષ અગાઉ તરસાલી વિસ્તારમાં જીમમો જતો હતો જયાં સતીષ વસાવા જીમ ટ્રેનર હોઈ તેઓની વચ્ચે પરિચય થયો હતો. સતીષને કાયમ નાણાંની ખેંચ રહેતી હતી જે દરમિયાન તેને જાણ થઈ હતી કે જયમીન સાઘનસંપન્ન પરિવારનો છે અને નાણાં ધીરવાનો ધંધો કરે છે. આ વિગતોના પગલે તેણે જયમીન સાથે ઘેરાબો વધાવી પોતાની ઘરે વારંવાર પાર્ટી માટે બોલાવ્યો હતો અને તઓની વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ હતી. જાેકે જીમમાં થયેલી મિત્રતા જ જયમીનને મોત સુધી ખેંચી ગઈ હતી.

નાણાંની તકરાર કે અન્ય કોઈ કારણ?

સતીષ વસાવાએ ઉધાર નાણાં ચુકવવા ના પડે તે માટે હત્યા કરી હોવાનું કબુલ્યું છે પરંતુ પોલીસને એવી પણ વિગતો સાંપડી છે કે જયમીન પાર્ટી કરવા માટે સતીષના ઘરે જતો હતો અને તેણે સતીષની પત્ની વિશે પણ વાંધાજનક કોમેન્ટ કરી હતી જે મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જાેકે નાણાંની તકરાર સિવાય અન્ય કોઈ કારણ પણ જવાબદાર હોવાની શંકા સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લાશ શોધવા કેનાલ ખાલી કરવાનો આદેશ

સતીષ વસાવાએ લાશને ધનિયાવી પાસે કેનાલમાં લાશ ફેંકી હોવાની કબુલાત કરતા પોલીસની એક ટુકડી તેને લાશ ફેંકી ત્યાં લઈ ગઈ હતી જયાં તેણે લાશને ક્યાં ફેંકી તે જગ્યા બતાવી હતી. આ અંગે મકરપુરા પીઆઈ જે એન પરમારે જણાવ્યું હતું કે બાર દિવસથી લાશ કેનાલમાં હોઈ પ્રાથમિક તપાસ કરતા તે મળી નથી જેથી લાશ શોધવા માટે કેનાલ ખાલી કરાવવા માટે તંત્રને જાણ કરાઈ છે અને આશરે ૨૦થી ૨૨ કલાકમાં કેનાલ ખાલી થયા બાદ લાશને ફરી શોધવાની તજવીજ કરાશે.

સોનું લૂંટીને મોબાઈલ-એટીએમ કેનાલમાં ફેંક્યાં

સતીષે જયમીને પહેરેલા આશરે છ તોલાના દાગીના અને તેના પાકિટમાંથી રોકડા નાણાં કાઢી લીધા હતા. જયમીન મોંઘોદાટ ફોન અને એટીએમ કાર્ડ વાપરતો હતો પરંતું ફોન અને એટીએમ કાર્ડના ઉપયોગથી પોતે ગમે ત્યારે પોલીસના હાથે ઝડપાઈ જશે તેવી ખાત્રી હોઈ શાતિર દિમાગના સતીષે મોબાઈલ ફોન તેમજ પાકિટમાંથી એટીએમ કાર્ડ કાઢીને તે પણ કેનાલમાં ફેંકી દીધા હોવાનું જણાવતા પોલીસે મોબાઈલની પણ શોધખોળ શરૂ કરી છે.

૨૭મીએ જ હત્યાનો પ્લાન હતો

સતીષ વસાવાએ પોલીસને જણાવ્યું હતું કે તેણે કોઈની પણ મદદ લીધા વિના ચુપચાપ જયમીનની કોઈ પણ ભોગે હત્યા કરવાનું નક્કી કર્યું હતું. જાેકે જયમીન પણ શારીરિક રીતે ખડતલ હોઈ તેને મારી નાખવા માટે બળપ્રયોગના બદલે નશો કરાવીને હત્યા કરવાનો કારસો રચ્યો હતો. આ કારસા મુજબ સતીષ ગત ૨૭મી તારીખે જયમીનને તાડી પીવા માટે રાજપિપળા પાસે આવેલા તેના વતનમાં લઈ ગયો હતો અને બંનેએ તાડીનો નશો કર્યો હતો. જાેકે તે વખતે જયમીનની હત્યાનો પ્લાન સફળ નહી રહેતા તેણે ૩૧મી તારીખે જયમીનને પોતાના ઘરે બોલાવીને ચિક્કાર દારૂ પીવડાવીને હત્યાનો અંજામ આપ્યો હતો.

નાણાં કમાવવા માટે શોર્ટકટની ઘેલછા ચિંતાજનક

શહેરના જાણીતા મનોચિકિત્સકોએ જણાવ્યું હતું કે આજકાલ યુવા વર્ગમાં રાતોરાત નાણાં કમાવવાની ઘેલછા છે અને તેની માટે યુવાનો ગમે તે કરવા માટે તૈયાર થઈ જાય છે તે ખરેખર ચિંતાજનક છે. જાેકે નાણાં કમાવવા માટેના આવા ગેરકાયદે શોર્ટકટથી ક્યારેય ભવિષ્ય સુધારતું નથી અને તે રસ્તો કાયમ પોલીસ અને કોર્ટ સુધી દોરી જાય છે માટે યુવાનોએ આ રીતે નાણાં કમાવવા માટેના વિચારોથી દુર રહેવું જાેઈએ.