વડોદરા, તા. ૧૫

ઉંડેરામાં કેનાલ પાછળ જલાનંદ ટાઉનશીપમાં રહેતા ૨૮ વર્ષીય અસ્મિતાબેન ભગીરથસિંહ પરમારે જવાહરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ‘હું સંયુક્ત પરિવારમાં રહું છું. મારા લગ્ન ૨૦૧૮માં ભગીરથસિંહ કનકસિંહ પરમાર સાથે થયા હતા. ગત ૧૨ એપ્રિલે મારા પતિ આખો દિવસ રાજકારણના કામમાં રોકાયેલા હોઈ રાત્રે પોણા અગિયાર વાગે ઘરે આવ્યા હતા. તેઓ વોશરૂમમાં હતા ત્યારે હું તેમના કપડાં બાજુમાં મુકવા જતાં પેન્ટના ખિસ્સામાંથી માંજલપુરના વેસ્ટસાઈડ મોલનું બિલ મળ્યું હતંુ. જે બાબતે પુછતા તેમણે જવાબ આપ્યો નહોંતો. મને શંકા હતી કે તેઓ કોઈ બીજી છોકરી સાથે પ્રેમ સંબંધમાં છે. સરખો જવાબ ન મલતાં જેની ખાતરી થઇ હતી. મારા પતિ મારી પાસે વારંવાર બિલ માંગતા હતા પરંતુ બિલ ના આપતા તેઓ મારા પર ગુસ્સે થયા અને બોલાચાલી કરી ઝપાઝપી કરીને ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ જાતે મરી જવાની ધમકીઓ આપી હતી. ત્યારબાદ તેઓ ઘરેથી જતાં રહ્યા હતા. હું તેમને ઘરે પાછા આવવા સમજાવવા ગઈ ત્યાં જઈને જાેતા તેઓ ફોનમાં તે જ છોકરી સાથે સોશિયલ મિડિયામાં વાત કરી રહ્યા હતાં. જેથી મે ફરી તેમને પુછપરછ કરી હતી. આ દરમિયાન સોસાયટીના માણસો ભેગા થઈ જતા તે મારી પર વધારે ગુસ્સે થયા હતા અને મને ગડદાપાટુનો માર માર્યો હતો. જેમાં મને મોંઢા પર ઈજાઓ થયેલી અને તે મને મારી નાખવાની ધમકી આપી તથા મને લાત મારીને ગાડીનો દરવાજાે બંધ કરીને ત્યાંથી ભાગી ગયા હતા.

લખન દરબાર જ મારા પતિ ભગીરથસિંહ

અસ્મિતાબેને જણાવ્યું હતું કે, મારા પતિ ભગીરથસિંહ પરમારનું નામ જ લખન દરબાર છે. તે મારી પર હુમલો કરીને ફરાર થયા બાદ તેમની હજુ સુધી ધરપકડ થઈ નથી. હાલ સમાધાનની કોઇ વાત નથી.