વડોદરા, તા.૧૨

વડોદરા શહેરમાં હાલ પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની ભારે સમસ્યા છે. કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યા વચ્ચે ગઈકાલથી પૂર્વ વિસ્તારમાં જ આવેલા રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલમાં ફાયર વિભાગના ટેન્કરોથી પાણી ભરવાનું ચાલુ કરવામાં આવ્યું છે. આજે સાંજ સુધીમાં ૧૫૪ ટેન્કર પાણી સ્વિમિંગ પુલમાં ઠાલવી દેવામાં આવ્યુ છે. આટલા પાણી બાદ સ્વિમિંગ પૂલની ડીપનો ભાગ ભરાયો છે. જ્યારે હવે શેલોમાં પાણી ભરાઈ રહ્યા છે. પાલિકાનો સ્વિમિંગ પૂલની લંબાઈ ૫૦મી.અને પહોળાઈ ૨૫મી. છે, જ્યારે ડીપ વિસ્તાર ૧૨ ફીટ અને શેલો ૫ ફૂટ ઊંડો છે. ત્યારે અંદાજે ૨૫ લાખ લિટર પાણી ઠાલવવું પડે, આમ શહેરના બે લાખ લોકોને એક ટાઈમ પાણી મળે તેટલુ પાણી સ્વિમિંગ પૂલમાં ભરવામાં આવશે.

 વોર્ડ નંબર ૧૫ ના ભાજપના કોર્પોરેટર આશિષ જાેશીએ કહ્યુ હતું કે, સ્વિમિગ પૂલ ભરવા બીજા ૧૫૦ થી ૨૦૦ પાણીના ટેન્કર ઠાલવવા પડે તેમ લાગી રહ્યંુ છે. લોકોની પાણીની પ્રાથમિક સુવિધાને પ્રાધાન્ય આપવાના બદલે માત્ર સ્વિમિંગ માટે આવતા ૫૦૦ લોકોની સુવિધાનો વિચાર કરવો એ યોગ્ય નથી.

તેમણે એમ પણ કહ્યું હતું કે નાલંદા ટાંકીનો સંપ ૧૮ ફૂટ ભરાય તો બે ફૂટ પાણીની બચત રહે અને તે સપ્લાય સ્વિમિંગ પૂલને કરી શકાય છે, પરંતુ હાલ સંપ સાડા ૧૬ ફૂટ પાણી ભરાય છે એટલે જથ્થાની ઘટ રહે છે. રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલમાં છેલ્લા બે દિવસમાં ૧૫૪ જેટલી ટેન્કરો પાણી ઠાલવવામાં આવ્યુ છે., તેમાં નાલંદા ટાંકીથી બે દિવસ સુધી ૨૦ મિનિટ સુધી પાણી આપેલું હતું તેનો પણ જથ્થો છે. આ ટેન્કરો ૫૦૦૦ની નહીં, પરંતુ ૧૨,૦૦૦ લિટરની ક્ષમતા વાળી ટેન્કરોનો ઉપયોગમાં લેવામાં આવે તે છે.

ઉલ્લેખનિય છે કે, પાછલા કેટલાક સમયથી બંધ સરદારબાગ, રાજીવ ગાંધી અને લાલબાગ સ્વિમિંગ પૂલ ચાલુ કરવાની માગ કરાઈ હતી. જેના રિપેરીંગની કામગીરી પૂર્ણ થતાં હવે તેમાં પાણી ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ છલકાયા બાદ લાલબાગમાં પાણી ભરાશે!!

પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ રાજીવ ગાંઘી સ્વિમિંગ પૂલ ભરવામાં આવી રહ્યો છે.પૂર્વ વિસ્તારમાં આવેલા આ સ્વિમિગ પૂલમાં ફાયરની ટેન્કરો દ્વારા પાણી ઠાલવીને ભરવામાં આવી રહ્યો છે.સાથે ગઈકાલ થી લાલબાગ સ્વિમિંગ પૂલ પણ ટેન્કરો દ્વારા ભરવામાં આવી રહ્યો હતો.જાેકે, લાલબાગ સ્વિમિંગ પૂલમાં ૨૦ ટેન્કર પાણી ઠાલવ્યા બાદ હાલ લાલબાગ સ્વિમિંગ પૂલમાં પાણી ઠાલવવાનુ બંધ કરીને રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલમાં પાણી ઠલવાઈ રહ્યુ છે. આ સ્વિમિંગ પૂલ ભરાયા બાદ લાલબાગ સ્વિમિગ પૂલને ભરવામાં આવશે.