21, એપ્રીલ 2024
વડોદરા, ૨૦૪૭ સુધી વિકસિત ભારતનું લક્ષ્ય સનરાઈઝ, કૃષિ, સૉલાર એનર્જી, મેન્યુફેક્ચરિંગ, કૃષિ અને સર્વિસ સેન્ટરના વિકાસની સાથે આત્મનિર્ભરતા દ્વારા હાંસિલ કરાશે. સરકારે તે માટે અનેક સુધારાવાદી નિર્ણય લીધા છે, તેમ વડોદરા ખાતે આવેલાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું.ફોરમ ફોર ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેડ એસોસિયેશન વડોદરા દ્વારા આયોજિત ફોર કાસ્ટ ફોર ઈન્ડિયન ઈકોનોમી ૨૦૪૭ને સંબોધતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, કોવિડ બાદ રશિયા-યુક્રેન યુદ્ધ, ચીન-અમેરિકા વચ્ચેનો તણાવ જેવી સ્થિતિમાં પણ સરકારની નીતિઓના કારણે લોકોનો વિશ્વાસ જળવાઈ રહ્યો છે અને ગ્રોથરેટ ઘણો સારો રહ્યો છે. વૈશ્વિક સ્તરે ગ્રોથરેટમાં ભારત ફાસ્ટેસ્ટ ઈકોનોમી તરીકે ઊભરી આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૪૭ સુધી વિકસિત ભારતનો સંકલ્પ પ્રાપ્ત કરવા માટે યોગ્ય લક્ષ્ય છે. લીડરશિપ અને વિઝનરી આઉટ લૂકના કારણે આજે તમામ ક્ષેત્રે ભારત આગળ વધી રહ્યું છે. તેમણે આત્મનિર્ભરતા પર ભાર મૂકતાં કહ્યું હતું કે, આપણે માત્ર વિવિધ વસ્તુઓની આયાત નહીં, પરંતુ આપણે જે જાેઈએ તેનું ઉત્પાદન પણ કરવું પડશે. નાણામંત્રીએ કહ્યું હતું કે, અત્યારે જે આર્થિક સુધારા થઈ રહ્યા છે, જેના કારણે ૨૦૪૭માં વિકસિત દેશની જગ્યાએ વિકાસશીલ દેશ બનવાનું છે એ લક્ષ્ય સાથે આગળ ચાલી રહ્યા છીએ. ૨૦૪૭ સુધીમાં ભારતમાં મધ્યમવર્ગની સંખ્યા વધીને ૭૦ કરોડ જેટલી થઈ જશે. વિકસિત ભારત બનાવવા માટે કૃષિક્ષેત્રમાં પણ સુધારા થઈ રહ્યા છે, તેમાં માર્કેટ ખૂલ્લું કરવું, કોલ્ડ સ્ટોરેજ વગેરેના આયોજન સાથે કૃષિ ફાયદાકારક બને તે માટનેા પ્રયાસો કરાયા છે. આ ઉપરાંત ભારત મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું છે. નાના ઉદ્યોગો ભારતની તાકાત છે, સાથે મોટા ઉદ્યોગો પણ જરૂરી છે, જેથી એક્સપોર્ટ પણ કરી શકાય. તેમણે કહ્યું હતું કે, લોકોએ દેશમાં બનેલી વસ્તુઓનો આગ્રહ રાખવો જાેઈએ, જેથી આત્મનિર્ભર થઈ શકીએ. સરકારે આત્મનિર્ભર થવા માટે સંરક્ષણ ક્ષેત્રમાં અનેક પગલાં લીધાં છે. જ્યારે દેશમાં હવે વ્હીકલ બનવા લાગ્યાં છે. સોલાર ઈક્વિપમેન્ટ પણ દેશમાં જ બનવા લાગ્યાં છે. સેમિકન્ડકટરમાં પણ દેશના જ લોકો રોકાણ કરી રહ્યા છે. ગુજરાતમાં બે અને આસામાં એક પ્લાન્ટ એમ ત્રણ પ્લાન્ટ આગામી દિવસોમાં બનશે. તેમણે તમામના પ્રયાસથી ૨૦૪૭માં ભારત વિકસિત બનશે તેમ કહ્યું હતું.