આણંદ, નડિયાદ : ચરોતરમાં આણંદ અને નડિયાદ જિલ્લામાં ભાજપ, કાૅંગ્રેસ, આપ સહિત અપક્ષોએ જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની ચૂંટણી માટે પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ચરોતરમાં ભાજપ આક્રમક પ્રચારની રણનીતિએ આગળ વધી રહ્યું છે.

આણંદ જિલ્લાની છ નગરપાલિકા, આઠ તાલુકા પંચાયત અને એક જિલ્લા પંચાયતની ૪૪૪ બેઠકો ઉપર ૧૧૩૯ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના ૪૪૦ જ્યારે કોંગ્રેસના ૪૩૫ અને ૧૫૬ અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. બાકીના એનસીપી, આપ અને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો મેદાનમાં ઝંપલાવ્યું છે. જેને લઈને હાલ તો રાજકીય ગરમાવો જાેવા મળી રહ્યો છે.

બીજી તરફ નડિયાદ નગરપાલિકાની ચૂંંટણી ૧૩ વોર્ડની બાવન બેઠકમાં ૩ બિનહરિફ થતાં બાકીની ૪૯ બેઠક માટે ૧૧૩ ઉમેદવારો મેદાનમાં છે. ખેડા જિલ્લાની આઠ તાલુકા પંચાયતમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા બાદ ચિત્ર સ્પષ્ટ થતાં આઠેય તાલુકા પંચાયતમાં કુલ ૩૯૭ ઉમેદવાર મેદાનમાં છે. સૌથી વધુ ઠાસરામાં ૬૭ ઉમેદવારનો સમાવેશ થાય છે. ખેડા જિલ્લાની નડિયાદ, માતર, મહેમદાવાદ, વસો, ઠાસરા, મહુધા, ખેડા અને ગળતેશ્વર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ૩૯૭ ઉમેદવારોએ પ્રચાર કાર્ય શરૂ કરી દીધું છે. સૌથી વધુ ઠાસરા તાલુકા પંચાયતમાં છે. જાેકે, મોટા ભાગની બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સામસામે લડી રહ્યા છે.

આગામી ૨૮ ફેબ્રુ.એ મતદાન છે. લોકસંપર્ક વધે અને પ્રચાર કાર્ય વેગવાન બને તે માટે બંને જિલ્લાની તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ માટે ભાજપ, કોંગ્રેસ દ્વારા ઉમેદવારના ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન થઈ રહ્યાં છે. લોક સંપર્ક કાર્યાલયો ઉપર કાર્યકરો અને સમર્થકોની આગતા સ્વાગતા અને વોર્ડ કામગીરીની સમીક્ષા અને નવા આયોજનોનું મુખ્ય કામ થઈ રહ્યું છે. ચૂંટણી કાર્યાલયોમાં મતદારોની આવનજાવન પણ મોટા પ્રમાણમાં થઈ રહી છે.

આણંદ જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગરપાલિકા કેટલીક બેઠકો ઉપર ભાજપ-કોંગ્રેસ અને એનસીપી તથા આપ વચ્ચે જંગ ખેલાયો છે. જેને લઈને આણંદ જિલ્લામાં ગ્રામ્ય અને સ્થાનિક શહેરી વિસ્તારોમાં રાજકારણ ગરમાયું છે. આણંદ પાલિકામાં ૩ બેઠકો બિનહરિફ થઇ છે. આથી બાકીની ૪૯ બેઠકોમાં મતદારોને રિઝવવા અને પોતાના તરફે મતદાન કરાવવા રાજકીય પક્ષો અને અપક્ષો ઉમેદવારો વચ્ચે ગળાકાપ હરિફાઈ શરૂ થઈ છે.

રાજકીય પ્રચારના ધમધમાટના કારણે આણંદ સહિત ઉમરેઠ, બોરસદ, સોજિત્રા અને ખંભાતમાં પણ રાજકીય માહોલમાં ગરમાવો વ્યાપ્યો છે. રાજકીય પક્ષો અને અપક્ષો દ્વારા સોશિયલ મીડિયા ઉપર વ્યક્તિગત અને વોર્ડના ઉમેદવારોની પેનલ મૂકીને મતદારોને મત આપવા અપીલ કરી રહ્યાં છે. ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આણંદ નગરપાલિકાના નોંધપાત્ર અપક્ષ ઉમેદવારો છે. વળી, આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં આપ પાર્ટી કોંગ્રેસનો ખેલ બગાડે તેવી નિર્ણાયક ભૂમિકામાં હોવાની માહિતી મળી રહી છે.