સાબરકાંઠા સમાચાર

 • અન્ય

  રાજપુરના શિક્ષકે લોકડાઉનમાં શાળામાં રંગરોગાન કર્યુ

  હિંમતનગર,તા.૧૩ લોકડાઉનદરમિયાન હિંમતનગર નજીક આવેલ રાજપુર પ્રાથમિક શાળાના શિક્ષકે શિક્ષણની જ્યોત જગાવવા સહિત લોકડાઉનનો સદઉપયોગ કરી લોક ભાગીદારીથી શાળામાં પ્રાર્થના ખંડ, શાળાનું કલર કામ સહિતની ભૌતિક સુવિધાઓ ઉભી કરી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ છે. રાજપુર પ્રાથમિક શાળાના શિક્ષક રાજુભાઇ પટેલે લોકડાઉનમાં પોતાની શાળામાં બાકી રહેલી ભૌતિક સુવિધાઓમાં કેવી રીતે વધારો કરી શકાય તે વિશે વિચારતા હતા. લોકડાઉન દરમિયાન પણ શાળામાં જતાં શિક્ષક રાજુભાઇએ ગામના અગ્રણીનો સંપર્ક કરી શાળાના મકાનમાં ખૂટતી જરૂરી ભૌતિક સુવિધાઓ માટે લોકફાળો એકત્રીત કરવાનુ સૂચન કરતાં ગામના દાતાઓએ પણ શિક્ષકની ભાવનાને માન આપી ઉદાર હાથે દાન કર્યું હતું. જેના પરિણામ સ્વરૂપે શાળામાં પ્રાર્થના ખંડ, કલર કામ, બાગ-બગીચા સહિતની સુવિધાઓ કોરોનાકાળમાં ઉભી કરવામાં સફળતા મળી.શિક્ષક રાજુભાઇ પટેલે જણાવ્યુ કે, લોકડાઉન દરમિયાન કલર કામ માટે માણસો ન મળતા જાતે જ માલ સામાન ખરીદીને સમગ્ર શાળાનો કલર કામ કરવાનુ નક્કી કર્યુ હતું. અંદાજે ત્રણ લાખ રૂપિયાનું માતબર દાન એકઠુ કરી પોતાની શાળાની ભૌતિક સુવિધામાં વધારો કરવા માટે રજાની ચિંતા કર્યા વગર દરરોજ સવારે શાળાએ પહોંચી કામગીરી કરતા હતા. આ ઉપરાંત લોકડાઉન દરમિયાન ગામમાં ઘરેઘરે જઇ બાળકો અને વાલીઓનો સંપર્ક કરી ઘરે બેઠા શિક્ષણ ચાલુ રહે તે માટે પ્રયત્નશીલ રહ્યા હતા. વર્ગખંડોની સફાઇ જાતે કરી વૃક્ષારોપણ તેમજ વૃક્ષોની સારસંભાળ રાખવાનુ કામ પણ કર્યું હતું. શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા કોવિડ-૧૯ બૌદ્‌ધગાથા સફળ વાર્તામાં પણ રાજયકક્ષાએ શિક્ષક રાજુભાઇ પટેલની નોંધ લઇ પ્રોત્સાહન આપ્યુ હતુ.
  વધુ વાંચો
 • ક્રાઈમ વોચ

  હિંમતનગરમાંથી ૧૫ કિલો ગાંજા સાથે રાધનપુરના બે યુવક પકડાયા

  હિંમતનગર, તા.૧૨ સાબરકાંઠા એસઓજીએ બાતમી આધારે ભિલોડાના શખ્સ પાસેથી ૧૫.૪૪૫ કિ.ગ્રા કિ. રૂ. ૧,૫૪,૪૫૦ નો ગાંજો બોલેરોના બોનેટ નીચે સંતાડી કચ્છના શખ્સને આપવા નીકળેલા રાધનપુરના બે શખ્સોને હિંમતનગરના મોતીપુરાથી ઝડપી પાડી એનડીપીએસ એક્ટ અંતર્ગત કુલ ચાર વિરુદ્‌ધ ગુનો નોંધ્યો છે.એસઓજી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એસઓજી પીઆઇએ બાતમી આધારે બોલેરો નં. જી. જે-૧- બી.વી - ૯૧૮૯ માં બે શખ્સો ગાંજો લઈને શામળાજી તરફથી રાધનપુર તરફ જઈ રહ્યા છે. જેને પગલે તા. ૦૯-૦૭-૨૦ ના રોજ બપોરે એસઓજી ટીમ મોતીપુરા પહોંચી દરમિયાન બોલેરો આવતા તેને સાઈડમાં કરાવી અંદર બેઠેલા બંને શખ્સોને ઉતારી તલાશી શરૂ કરતાં બોનેટ ઊંચું કરી તપાસતાં એન્જિનની બાજુમાં ખાલી જગ્યામાં સફેદ કલરની ૬ થેલીઓ અને લીલા કલરની ૩ થેલીઓમાંથી ગાંજાની વાસ આવતા સાગરભાઇ રમેશભાઈ રાવલ ( રહે. મોટી પીપલી તા. રાધનપુર ) અને હસુભાઈ કમુભાઈ ઠાકોર (રહે. રાધનપુર જીઇબી પાછળ રાધનપુર ) બંનેની અટકાયત કરી કુલ ૧૫.૪૪૫ કિ.ગ્રા. ગાંજાનો જથ્થો કબ્જે કરી પૂછપરછ કરતાં ભિલોડાના ટોરડા નજીક રામપુરીની સીમમા ડુંગર પર આવેલ મહાદેવ મંદિર નજીક કાંતિભાઈ નામનો આદિવાસી વ્યક્તિ આપી ગયો હતો.આ ગાંજો કચ્છના રાપરના મુમઈ મોરા ગામના મોમાઈ માતાજી મંદિરના પૂજારી પાગલગીરી બાપુને આપવાનો હતો. ઝડપાયેલાઓમાં સાગરભાઇ રાવલ (રહે. મોટી પીપલી તા. રાધનપુર જિ. પાટણ ) , હસુભાઈ ઠાકોર (રહે. જીઇબી પાછળ રાધનપુર), કાંતિભાઈ નામનો માણસ, પાગલગીરી બાપુ (મોમાઈ માતાનું મંદિર મુમઈમોરા તા. રાપર જી. કચ્છ)નો સમાવેશ થાય છે.
  વધુ વાંચો
 • અન્ય

  શામળાજી રેફરલ હોસ્પિટલનો કર્મચારીને પોઝિટિવ આવતા ૩ તબીબ ક્વોરેન્ટાઇન

  અરવલ્લી,શામળાજી,તા.૧૧ પવિત્રયાત્રાધામ શામળાજીમાં આદિવાસી સમાજ માટે આશીર્વાદ સમાન રેફરલ હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ કોરોનાની ઝપટમાં આવતા ગ્રામ્ય વિસ્તારની પ્રજામાં ખોફ પ્રસર્યો છે.   રેફરલ હોસ્પિટલમાં ડ્રેસર તરીકે કામગીરી બજાવી રહેલા કમૅચારીને કોરોના પોઝિટિવ આવતાં હોસ્પિટલ ના કમૅચારીઓ તથા ડોક્ટર  તથા સ્ટાફમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. કોરોના પોઝિટિવ આવતાં રેફરલ હોસ્પિટલ ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવી છે. રેફરલ હોસ્પિટલના ત્રણ ડોક્ટર સ્વયં  આઈશોલેશન થઈ ગયા હતા. સવારથી જ જિલ્લા આરોગ્યની ટીમ રેફરલ હોસ્પિટલમાં આવી હતી. આ કમૅચારીના સંપર્કમાં કોણ કોણ આવેલું છે તેની યાદી બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે. શામળાજીમાં કોરોનાનો પહેલો કેસ આવતા ગ્રામ્ય વિસ્તારની હજારો ગરીબ આદિવાસી સમાજના લોકો આ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા હોવાથી  પ્રજામાં ગભરાટ ફેલાયો હતો. તંત્ર દ્વારા રેફરલ હોસ્પિટલને સેનેટાઈઝ કરવામાં આવશે.
  વધુ વાંચો
 • અન્ય

  સાબરકાંઠા જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના ૧૫ કેસ : કુલ આંક ૨૬૮

  હિંમતનગર,તા.૧૧ સાબરકાંઠામાં જુલાઈના પ્રારંભથી જ સંક્રમણ ચરણે પહોંચી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૫ પોઝિટિવ કેસ નોંધાતા ૪૮ દિવસ અગાઉ ૨૩ મેના રોજ નોંધાયેલ ૧૪ પોઝિટિવ કેસનો રેકોર્ડ પણ તૂટી ગયો છે. ૧૫ કેસ આવતાં જિલ્લામાં કુલ આંક ૨૬૮ એ પહોંચ્યો છે. જ્યારે જિલ્લામાં એક્ટીવ કેસ ૭૪ છે. દરમિયાનમાં ઇડરના ચિત્રોડાના કોરોના પોઝિટિવ વણકર લખાભાઇ ભીખાભાઈ ઉ.વ. ૮૦નું હિંમતનગર સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજતા કોવિડ -૧૯ની ગાઈડલાઈન મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.હિંમતનગર, પ્રાંતિજ, ઇડર પંથકમાં સંક્રમણ પાંખો ફેલાવી રહ્યું છે. શુક્રવારે એક સાથે ૧૫ પોઝિટિવ કેસ નોંધાયા હતા. છેલ્લા દસ દિવસ દરમિયાન ૭૬ પોઝિટિવ કેસ નોંધાયા છે તે પૈકી ૪૭ કેસ હિંમતનગર તાલુકામાં નોંધાયા છે. હિંમતનગર તાલુકામાં દર્દીઓની સંખ્યા ૮૩ થઈ ગઈ છે. જે પૈકી ૩૮ની સારવાર ચાલી રહી છે. જિલ્લાનો કુલ આંકડો બહારના ૩૭ દર્દીઓ સહિત ૨૬૮ થઈ ગયો છે. એક્ટિવ કેસની સંખ્યા ૭૪ થઈ છે. હિંમતનગરમાં અલકાપુરી વિસ્તારમાં ૫૮ વર્ષીય મહિલા, વિરાટનગર સોસાયટીમાં ૫૪ વર્ષીય પુરુષ, પોલો ગ્રાઉન્ડમાં ૫૪ વર્ષીય પુરુષ, મહેતાપુરામાં ૫૦ વર્ષીય મહિલા અને ઇડરના આનંદનગર સોસામાં ૫૯ વર્ષીય પુરુષ, રબારીવાસમાં ૨૯ વર્ષીય પુરુષ, પાનોલ ગામમાં પુરુષ, બડોલીમાં પુરુષ, કેશરપુરામાં વૃદ્ધા તથા તલોદના દાદરડામાં આધેડ, અણિયોડમાં ૨૨ વર્ષીય મહિલા, પ્રાંતિજના પોગલુમાં ૪૨ વર્ષીય પુરુષ અને ૬૨ વર્ષીય પુરુષ, નાની ભાગોળમાં ૪૯ વર્ષીય મહિલા અને વ્હોરવાડમાં વૃદ્ધનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.
  વધુ વાંચો