વડોદરા, તા. ૧૧

શહેરમાં માતેલા સાંઢની જેમ દોડતા ભારદારી વાહનો અને લકઝરી બસના ચાલકો દ્વારા શહેર પોલીસ કમિશ્નરના પ્રવેશબંધી માટેના જાહેરનામાનો ભંગ કરાઈ રહ્યો છે અને ભારદારી વાહનોની અડફેટે અનેક શહેરીજનો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. થોડાક સમય સુરતમાં પણ આવી જ સ્થિતિ સર્જાતા સ્થાનિક ધારાસભ્યએ સુરતના નાગરિકોના હિતમાં અવાજ ઉઠાવી શહેર પોલીસ કમિશ્નરે લેખિત ફરિયાદ કરી હતી અને તેના પરિણામે પોલીસ તંત્ર અને લકઝરી બસ ઓપરેટરોને સુરતના નાગરિકોની સુરક્ષા માટે આવકારદાયક નિર્ણયો લેવા પડ્યા હતા. જાેકે વડોદરામાં પણ નિર્દોષ શહેરીજનોના અકસ્માતોમાં મોતના અહેવાલો માધ્યમોમાં પ્રસિધ્ધ થઈ રહ્યા છે પરંતું તેમ છતાં શહેરના ચુંટાયેલા પ્રતિનિધિઓને નિર્દોષોના મોતની જાણે કોઈ જ અસર થઈ નથી અને તમામ ચુંટાયેલા પ્રતિનિધિઓએ આ બાબતે અવાજ ઉઠાવવાના બદલે મૈાન રાખી તમાશો જાેતા તેઓના ભેદી મૈાન સાથે સુરતના ધારાસભ્યની જેમ તેઓ કેમ અવાજ ઉઠાવતા નથી તેવો પ્રશ્ન શહેરીજનોને અકળાવી રહ્યો છે.

શહેરમાં ભારદારી વાહનચાલકો અને લકઝરી બસના ચાલકો માટે સવારે ૭થી બપોરના ૧ તેમજ બપોરે ૪થી રાત્રિના ૯ વાગ્યા સુધી પ્રવેશબંધી હોવાનું શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે. જાેકે પોલીસ તંત્ર દ્વારા આ જાહેરનામાનો કડકાઈથી અમલ કરાવવામાં નહી આવતા શહેરમાં પ્રવેશબંધીના સમયગાળામાં પણ ડમ્પરો, લકઝરી બસો, સિમેન્ટ ક્રોંકીટ મિક્ષર મશીનો અને આઈશર ટેમ્પા જેવા ભારદારી વાહનો શહેરી વિસ્તારમાં ઘુસી જતા હોય છે. આ ભારદારી વાહનોને કારણે વારંવાર અકસ્માત થતાં નિર્દોષ શહેરીજનોને ગંભીર ઈજાઓ પહોંચી રહી છે અને કેટલાક કિસ્સામાં તો જીવ ગુમાવવો પડી રહ્યો છે. એટલું જ નહી ભારદારી વાહનોના કારણે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાઈ રહ્યા છે.

શહેરમાં ચારે તરફ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેમજ ટ્રાફિક પોલીસ સહિતનો કાફલો પણ દિવસભર જાહેરમાર્ગ પર તૈનાત હોય છે પરંતું તેમ છતાં શહેરમાં ભારદારી વાહન અને લકઝરી બસના ચાલકો પ્રવેશબંધીનો ભંગ કરીને કેવી રીતે શહેરમાં ઘુસી જાય છે તેનું રહસ્ય અકબંધ છે. શહેરમાં ભારદારી વાહનથી જાે કોઈ અકસ્માત થાય કે વાહનચાલકનું મોત થાય તો પોલીસ તંત્ર દોડતું થાય છે અને જે તે સંબંધિત વિસ્તારમાં ટ્રાફિક નિયમનનું કડકાઈથી પાલન કરાવી ભારદારી વાહનો સામે કાર્યવાહી કરે છે પરંતું આ કાર્યવાહી બે-ચાર દિવસ પુરતી સિમિત રહેતી હોઈ પોલીસની કાર્યવાહી માત્ર દેખાડારૂપ સાબિત થઈ છે.

જાેકે ભારદારી વાહનો અને લકઝરી બસોના ચાલકોનો ત્રાસ સમગ્ર ગુજરાતમાં એકસરખો છે પરંતું વડોદરા સિવાય અન્ય શહેરોના ચુંટાયેલા પ્રતિનિધિઓ નાગરિકોની સુરક્ષાના મુદ્દે જાગૃત અને ઈમાનદાર હોઈ અન્ય શહેરોની સ્થિતિ વડોદરા કરતા અલગ છે તેની પ્રતિતિ કરાવતો કિસ્સો ગત સાલ જાેવા મળ્યો હતો. સુરત વરાછાના ભાજપાના ધારાસભ્ય કિશોર કાનાનીએ સુરતમાં વારંવાર થતાં અકસ્માતો અને ટ્રાફિક જામ સામે શહેરીજનોની પડખે રહી અવાજ ઉઠાવ્યો હતો અને આ અંગેની શહેર પોલીસ કમિ.ને લેખિત રજુઆત કરી પ્રવેશબંધીના સમયનો કડક અમલ કરાવવાની માગણી કરી હતી. ધારાસભ્યનો વિરોધના પગલે સુરતમાં પ્રવેશબંધીનો સમયગાળો સવારે ૮થી રાત્રિના ૧૦ સુધી કરાયો હતો તો બીજીતરફ સુરતના લકઝરી બસોના ઓપરેટરોએ પણ શહેરમાં લકઝરી બસોના પ્રવેશબંધી માટેનો નિર્ણય લેવાની ફરજ પડી હતી.

જાે સુરતના ધારાસભ્ય પોતાના શહેરીજનોની હિતમાં અવાજ ઉઠાવી પોલીસ કમિ.ને લેખિત ફરિયાદ કરી શકતા હોય તો શહેરના ચુંટાયેલા પ્રતિનિધિઓ કેમ સુરતના ધારાસભ્યની જેમ ભારદારી વાહનોના ત્રાસ સામે અવાજ ઉઠાવતા નથી ? શું શહેરના ચુંટાયેલા તમામ પ્રતિનિધિઓની માનવતા મરી પરવારી છે ? કે પછી શહેરીજનોની સુરક્ષા માટે તેઓને કોઈ રસ નથી ? તેવો શહેરીજનો પ્રશ્ન કરી રહ્યા છે.

સુરત અને અમદાવાદ કરતાં વડોદરામાં પ્રવેશબંધીના કલાકો ઓછા કેમ?

રાજયમાં અલગ અલગ શહેરોમાં ભારદારી વાહનો-લકઝરી બસોના પ્રવેશબંધીનો સમય અલગ અલગ છે. અમદાવાદ અને સુરતમાં તમામ પ્રકારના ભારદારી વાહનો અને લકઝરી બસો માટે સવારે ૮થી રાત્રિના ૧૦ સુધી પ્રવેશ બંધી છે પરંતું વડોદરામાં આ સમયમાં છુટછાટ છે. વડોદરામાં સવારે ૭થી બપોરે ૧ અને બપોરે ૪થી રાત્રિના ૯ સુધી પ્રવેશબંધી હોઈ બાકીના સમયમાં ભારદારી વાહનો શહેરમાં ઘુસી ગયા બાદ પ્રવેશબંધીના સમય શરૂ થવા છતાં અવરજવર કરતા નજરે ચઢે છે. અમદાવાદ-સુરતમાં ૧૪ કલાક માટે પ્રવેશબંધી છે જયારે વડોદરામાં માત્ર ૧૧ કલાક છે જે પણ અકસ્માતોનું એક કારણ હોવાનું મનાય છે.

ટ્રાફિક પોલીસ હજુ પણ લકઝરી બસો સામે કાર્યવાહી નથી કરી રહી

લોકસત્તા-જનસત્તા દ્વારા ભારદારી વાહનચાલકો દ્વારા પ્રવેશબંધીના ભંગના લઈને ઝુંબેશ શરૂ થતાં ટ્રાફિક પોલીસ તંત્ર દોડતું થયું છે અને ટ્રાફિકે પોલીસે જાહેરનામાનો ભંગ કરતા ભારદારી વાહનચાલકો સામે કાર્યવાહી કરી વાહનો ડિટેઈન કરવાની શરૂઆત કરી છે. આજે પણ ટ્રાફિક પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં ડમ્પરો, આઈશર ટેમ્પા, સિમેન્ટ-ક્રોંકીટ મિક્ષર જેવા ભારદારી વાહનો ડીટેઈન કર્યા હતા પરંતું લકઝરી બસો સામે કાર્યવાહી નહી થતાં ટ્રાફિક પોલીસ લકઝરી બસો સામે ક્યારે કાર્યવાહી કરશે તેની પર સૈાની મીટ મંડાઈ છે.