આણંદ, તા.૨૫  

પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થઇ ગયો છે. તેને અનુલક્ષીને આણંદ જિલ્‍લા કલેકટર શ્રી આર. જી. ગોહિલે શ્રાવણ મહિનામાં મંદિરો અને ધાર્મિક સ્થળોમાં, કોવિડનો ફેલાવો અટકાવવા માટે ભારત સરકારના ગૃહ મંત્રાલયના જાહેરનામામાં દર્શાવેલી તકેદારીના માર્ગદર્શક પગલાંઓનું ચુસ્ત પાલન કરવામાં આવે તેની કાળજી લેવા જણાવ્યું છે. જિલ્લા અને તાલુકાના વહીવટી તંત્રને તથા લાયઝન અધિકારીઓન અનુરોધ કરી જિલ્‍લાના નાગરિકોને પણ આ તમામ તકેદારીઓ પાળવા અને વહીવટી તંત્રના કોરોના સંક્રમણને કાબૂમાં રાખવાના કાર્યમાં સહયોગ આપવા અપીલ કરી છે. 

અત્રે ઉલ્‍લેખ કરવો જરૂરી છે કે, ભારત સરકારના ગૃહ મંત્રાલયે અનલોક-૨ના તા.૨૯મી જૂનના જાહેરનામામાં મંદિરો અને ધાર્મિક સ્થાનકોમાં પાળવાની થતી તકેદારીઓની માર્ગદર્શિકા આપી છે. તેને અનુસરીને, કોવિડનો ફેલાવો અટકાવવાના ભાગરૂપે આવા સ્થળોએ લોકોના ટોળાં ભેગાં ન થાય અને જાહેરનામાની સંબંધિત સૂચનાઓનો ભંગ ન થાય તેવી તકેદારી રાખવી અને પાળવી જરૂરી છે. તેના અનુસંધાને જિલ્‍લા કલેકટરએ સંબંધિતોને ઉપરોક્ત માર્ગદર્શિકાઓનું સુચારૂં અમલ થાય તે જાેવાં પણ જણાવ્યું છે.