આણંદ : ચરોતરના સિલ્કસિટીમાં ભાજપના સંગઠન હોદ્દેદારો, નિરીક્ષકોએ દરિયો ઉલેચી કાદવ કાઢ્યો જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ઉમરેઠના વોર્ડ-૧ અને વોર્ડ-૫ના ઉમેદવારોએ ભાજપ સ્થાનિક અને જિલ્લા હોદેદારોને ધંધે લગાડી દીધાં છે. ભાજપે ચૂંટણી ઉમેદવાર લિસ્ટ જાહેર કરતાં ઉમરેઠમાં હૂંસાતુંસીનો માહોલ સર્જાયો છે. ઉમરેઠના વોર્ડ-૧માં એક જ પરિવારની બે વ્યક્તિને મેન્ડેટ ફાળવતાં કાર્યકરોમાં ખૂબ નારાજગી વ્યાપી છે. બીજી તરફ વોર્ડ-૧માં જ એક આગેવાનને મેન્ડેટ ન મળતાં વોર્ડ-૫ના બે મેન્ડેટધારી ઉમેદવારો ભૂગર્ભમાં ઊતરી જતાં શહેર અને જિલ્લા ભાજપ વિસામણમાં મૂકાયું છે. આ મુદ્દે જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે, જિલ્લા સંકલન, તાલુકા સંકલન અને શહેર સંકલન તેમજ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સાથે સતત મનોમંથન બાદ નામો નક્કી થયાં હતાં. ઉમેરઠ નગરપાલિકાના વોર્ડ નંબર-૧માં બંને એક જ પરિવારના સભ્યોને મેન્ડેટ ફાળવાયું હતું. જેને લઈ ઉમરેઠ સહિત જિલ્લામાં ભાજપના નિરીક્ષકો અને સંગઠન હોદ્દેદરોની ઠેકડી ઉડી હતી. એક તરફ પાર્ટીના એક અવાજે જીવ દાવ ઉપર લગાવી દેતાં કાર્યકરો અને બીજી તરફ પક્ષના હોદ્દેદરોની ચરમપોષી કરી મેન્ડેટ મેળવતાં મહારથીઓ વચ્ચે પ્રામાણિકપણે કામ કરતો કાર્યકર્તા પીસાઈ રહ્યો હોવાની લાગણી કાર્યકરોમાં જાેવાં મળી છે.

ઉમરેઠના વોર્ડ નંબર-૧માં નાની વહુ અને જેઠ એક જ પેનલમાંથી મતદારો પાસે વોટ માગશે, તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. બીજી તરફ વોર્ડ-૧માં જ એક બિલ્ડરને મેન્ડેટ આપવાની બાંયેધરી આપવામાં આવી હતી, જેનું પાલન ન થતાં વોર્ડ-૫ના બે મેન્ડેટ ફાળવાયેલાં ઉમેદવારો ગુમ થયાંની ચર્ચા છે.

કોણ કોને બનાવી રહ્યું છે?

રાજકીય પંડિતોમાં એ વિષય ચર્ચાનો મુદ્દો છે કે જિલ્લા સંગઠન પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ ને ગેરમાર્ગે દોરી રહ્યું છે કે ઉમરેઠ શહેરની રાજકીય સોંગઠાબાજીનો ભોગ જિલ્લા સંગઠન બન્યું છે.

હવે કોણ ઉમેદવારી પાછી ખેંચશે?

સ્થાનિક આગેવાનોએ પરિવારજનો સાથે મીટિંગ કરી સમાધાન કરી ગમે તે એક વ્યક્તિ ઉમેદવાર દાવેદારી પરત ખેંચે તેવી તજવીજ હાથ ધરતા પારિવારિક ગમો, અણગમો અને મિલકત સંબંધી બાબતોના પ્રશ્નો પણ ઊભાં થતાં મામલો ગુંચવાયો હોવાના અહેવાલ છે.