ગાંધીનગર-

કેન્દ્રીય પેટ્રોલિયમમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં આજે સોમવારે ગુજરાત સરકાર અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન વચ્ચે 25,000 કરોડના MOU કરવામાં આવ્યા છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા 24,000 કરોડના રોકાણના 6 પ્રોજેકટ આવનારા સમયમાં વડોદરામાં બનશે. જેમાં 25,000 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી પ્રાપ્ત થશે. કેન્દ્રીય પેટ્રોલિયમમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે સોમવારે મહત્વની જાહેરાત કરી હતી કે, ગુજરાત અમુક શહેરો જેવા કે ગાંધીનગર, અમદાવાદ, બરોડા શહેરમાં પ્રદૂષણ મુક્ત વાહનો અને બસો પણ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો દિલ્હીમાં ગેસમાં હાઇડ્રોજન મિક્ષ કરીને વાહનો ચાલવામાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં આવી શરૂઆત કરવામાં આવશે. કેન્દ્રીય સંરક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં સૌથી ખરાબ હાલત દિલ્હીની હતી, ત્યારે દેશની જો વાત કરવામાં આવે તો સામાન્ય દિવસોમાં ઓકસીજનની જરૂરિયાત ફક્ત 1,300 મેટ્રિક ટનની હોય છે, પરંતુ કોરોનાની બીજી લહેરમાં આ જરૂરિયાતો 2,500 મેટ્રિક ટન સુધી પહોંચી હતી, ત્યારે ગુજરાતે પોતાના ભાગનો ઓકસીજન સંતુલિત રાખીને દેશના અન્ય રાજ્યોને પણ ઓકસીજન પૂરો પાડયો હતો.