નડિયાદ : ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલી ગામની પ્રાથમિક શાળાના શિક્ષક મહેશ શિવાભાઈ પટેલ દ્વારા સગીર દુષ્કર્મના મામલામાં ધરપકડ બાદ બિલોદરા જેલમાં ધકેલી દેવામાં આવ્યો હોવા છતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ જાણે કે આરોપી શિક્ષકને નિર્દોષ છૂટવાની વાટ જાેઈને બેઠું હોય તેવો ઘાટ જાેવાં મળી રહ્યો છે. ભૂતકાળમાં સામાન્ય કહી શકાય તેવા કેસોમાં જેલમાં ગયેલાં શિક્ષકોને તાબડતોબ ફરજ મોકૂફીના હુકમો કરનાર પ્રાથમિક શિક્ષણ વિભાગ સગીરા દુષ્કર્મ મામલામાં ગંભીરતા દાખવવાનું હાથે કરીને ચૂકી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. 

આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઈ પટેલને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, નિરમાલીના શિક્ષકને ફરજ મોકૂફીના હુકમ બાબતે તજવીજ હાથ ધરવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ સગીર બાળાઓ ઉપર ખરાબ નજર સાથે દુષ્કર્મ કરનાર શિક્ષક સામે તાત્કાલિક પગલાં ભરીને દાખલો બેસાડવાની જગ્યાએ ઇરાદાપૂર્વકનો વિલંબ કરવામાં આવતો હોવાનું જાેવાં મળી રહ્યું છે.