વડોદરા,તા.૧૦

નિર્દોષ રાહદારીઓના મોત નીપજતા હોય, લોકો ઘાયલ થતા હોય, ટ્રાફિક નિયમોનો સરેઆમ ભંગ થતો હોય તેમ છતાંય વડોદરા શહેરના રાજમાર્ગો પર ભારદારી વાહનો માતેલા સાંઢની જેમ દોડતા હોય તો એને પોલીસ દાદાની મહેરબાની ગણવી કે, બેદરકારી તે સમજાતુ નથી. હજી બે દિવસ પહેલા જ સમતા વિસ્તારમાં ડમ્પરની અડફેટે કોયલીના નિર્દોષ યુવકનું મોત નીપજ્યુ હતુ. તેમ છતાંય હજી શહેરના જાહેરમાર્ગો ઉપર ભારદારી વાહનો બેફામ રીતે દોડતા હોય તો એ પોલીસના ઉચ્ચ અધિકારીઓ માટે શરમજનક બાબત તો છે જ સાથેસાથે મોટો પડકાર પણ છે. અહીં પડકાર બે પ્રકારના છે. પહેલો પડકાર ભારદારી વાહનોને શહેરમાં પ્રવેશતા અટકાવવાનો છે તો બીજાે પડકાર પોલીસના નાના કર્મચારીઓના ભ્રષ્ટાચારને રોકીને ભારદારી વાહનો પાસે આકરો દંડ વસુલવાનો છે. ખેર, પોલીસના ઉચ્ચ અધિકારીઓ જ્યાં સુધી ભારદારી વાહનોની સમસ્યાને ગંભીરતાથી નહીં લે ત્યાં સુધી કશું વળવાનું નથી. આરટીઓના સૂત્રો કહે છે કે, ટેક્સ નહીં ભરવાને કારણે વડોદરામાં અંદાજીત ૪૦૦૦થી વધારે વાહનોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. તેમ છતાંય આવા બ્લેક લિસ્ટ વાહનો પણ નો-એન્ટ્રીમાં બિન્ધાસ્ત ઘુસી રહ્યા છે.

શહેરના રાજમાર્ગો પર ભારદારી વાહનો માટે દિવસ દરમિયાન નો-એન્ટ્રી જાહેર કરાઇ છે. છતાંય ડમ્પરો, લક્ઝરી બસો અને કોંક્રિટ મિક્ષર મશીનો બેરોકટોક દોડતા નજરે પડે છે. અમે જ્યારે શહેરના રાજમાર્ગો પર તપાસ કરી તો જાણવા મળ્યુ કે, પોલીસની નજર સામે જ ભારદારી વાહનો બેફામ દોડી રહ્યા છે. આવુ ત્યારે જ શક્ય બને જ્યારે ભારદારી વાહનોને શહેરમાં પ્રવેશવા માટે મસમોટું સેટિંગ થયુ હોય કે, પછી વગદારની ભલામણ થઈ હોય.

ભારદારી વાહનોને દરવર્ષે ઈન્સ્યોરન્સ ભરવો પડે છે. ઉપરાંત, તેમના વ્હીલને આધારે છ મહિને અથવા એક વર્ષે આરટીઓ ટેક્સ પણ ભરવો પડે છે. ઉપરાંત, દરવર્ષે એનુ ફિટનેસ સર્ટિફિકેટ પણ લેવુ પડે છે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ વડોદરા આરટીઓએ ટેક્સ નહીં ભરનારા ૪૦૦૦ ભારદારી વાહનોને બ્લેક લિસ્ટ કર્યા છે.

શહેરના ટ્રાફિક પોલીસના જવાનો અને ભારદારી વાહનના ચાલકો વચ્ચે જબરદસ્ત સેટિંગ હોય એવુ લાગી રહ્યું છે. રસ્તા પર બિન્ધાસ્તથી દોડતા ભારદારી વાહનોને જાેઈને એવુ સ્પષ્ટ જણાય છે કે, જાણે એમને ટ્રાફિક પોલીસનો પરવાનો મળ્યો છે. જાે ખરેખર ભારદારી વાહનોને શહેરમાં પ્રવેશતા રોકવા માટે ટ્રાફિક પોલીસ કટિબધ્ધ હોય તો શહેરના એન્ટ્રી પોઈન્ટો પર જ ભારદારી વાહનોને રોકી શકાય. જાે, પોલીસની એક ટીમ ખરેખર, ભારદારી વાહનોને રોકે અને એના કાગળો, નંબર પ્લેટ, પીયુસી, ઈન્સ્યોરન્સ અને ડ્રાઈવિંગ લાયસન્સ ચેક કરે તો અમારો દાવો છે કે, એમાંથી મોટાભાગના દસ્તાવેજાે ના મળે.