શહેરમાં પ્રવેશબંધીના સમયે દોડતી લકઝરી બસો સામે કેમ કાર્યવાહી નથી થતી ? તેના પ્રશ્નના જવાબમાં ડીસીપી (ટ્રાફિક) જ્યોતિબેન પટેલે જણાવ્યું હતું કે ‘શહેરમાં ખાનગી કંપનીઓના કર્મચારીઓને લેવા-મુકવા માટે પ્રવેશબંધીના સમયમાં શહેરમાં આવતી લકઝરી બસો દ્વારા પોલીસની મંજૂરી લેવામાં આવી છે.’ જાે પોલીસ અધિકારીની વાત ધ્યાને લેવામાં આવે તો હવે એ પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે કે શું શહેરમાં પ્રવેશબંધીના સમયે દોડતી તમામ લકઝરી બસો પાસે પોલીસ મંજુરી છે? ટ્રાફિક પોલીસે અત્યાર સુધી કેટલી લકઝરી બસોમાં પોલીસ મંજૂરીની ચકાસણી કરી છે? અને પોલીસ મંજૂરી વિના દોડતી કેટલી લકઝરી બસો સામે કાર્યવાહી કરી છે? જાેકે, તાજેતરમાં લકઝરી બસોના માલિકોએ પોલીસ કાર્યવાહીનો વિરોધ કરતાં પોલીસ તંત્ર પણ કદાચ બસમાલિકો સાથે ઘર્ષણમાં ઉતરવા માગતાં ન હોઈ એટલે લકઝરી બસો સામે કાર્યવાહી નથી કરાતી, તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.

આંખ આડા કાન કેમ? સિટી બસના ડેપો પરથી લકઝરી બસોમાં મુસાફરો બેસાડાય છે

શહેરમાં પ્રવેશબંધીના સમયમાં પ્રવેશમાં માટે કંપનીઓની લકઝરી બસોએ મંજુરી લીધી છે પરંતું આ લકઝરી બસના ચાલકો પોલીસ મંજુરીના ઓથા હેઠળ ખાનગી મુસાફરોની ગેરકાયદે હેરફેર કરે છે. કંપની કર્મચારીઓની લકઝરી બસમાંથી તમામ કર્મચારીઓ ઉતરી ગયા બાદ લકઝરી બસોના ચાલકો પરત જવા માટે જે રૂટ પરથી પસાર થાય છે ત્યાં આવતા સિટી બસના પોઈન્ટ પરથી મુસાફરોને બેસાડે છે. જાે પોલીસ તેઓને અટકાવે તો તેઓ પોલીસ પરમીશન બતાવી ટ્રાફિક પોલીસના જવાનોને ધોળે દહાડે છેતરી રહ્યા છે. શહેરના મોટાભાગના સિટી બસના પોઈન્ટ પરથી લકઝરી બસોમાં મુસાફરોને બેસાડવાના દ્રશ્યો જાેવા મળે છે પરંતું તેઓની સામે કાર્યવાહી કરવાની સાદી સમજ ખરેખર ટ્રાફિક પોલીસના જવાનોમાં નથી કે પછી ખિસ્સા ગરમ કરવાનો કોઈ ખેલ છે ? તે પ્રશ્ન શહેરીજનોને અકળાવી રહ્યો છે.

અત્યારે લકઝરી બસો નહીં , રિક્ષા અને ડમ્પરો ટાર્ગેટ

લકઝરી બસો સામે કયારે કાર્યવાહી કરાશે તેના પ્રશ્નમાં ટ્રાફિક ડીસીપી જ્યોતિબેન પટેલે જણાવ્યું હતું કે અત્યારે ઓટોરિક્ષા અને ડમ્પરો અમારા ટાર્ગેટમાં છે અને લકઝરી બસો સામે પણ આગામી દિવસોમાં કાર્યવાહી કરાશે. ભારદારી વાહનચાલકોને વધુમાં દંડ થાય તે માટે તેઓને આરટીઓના મેમો આપવામાં આવી રહ્યા છે અને તેના કારણે દંડની રકમ પાંચથી પંદર હજાર સુધીની થાય છે. જાેકે લકઝરી બસો સામે ક્યારથી મુહીમ હાથ ધરાશે તે અંગે તેમણે કોઈ ચોક્કસ સમય જણાવ્યો નહોંતો.