દાહોદ, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરની જાળવણી તેમજ શું સંચાલન માટે અને પ્રજાકીય મૂળભૂત અધિકારોની જાળવણી માટે પંચાયત એક્ટ મુજબ હાલના સભ્યોને દેવગઢબારિયા નગરપાલિકા વિસ્તારના મતદારોએ છૂટીને નગરપાલિકામાં સભ્યપદ આપેલ છે. પરંતુ તેનાથી વિપરીત જઈ તેઓએ પોતાના સ્વાર્થ અને નાણાં કમાવવાના હેતુ વાળી હાલના સભ્યોની બોડીની કાર્યશૈલી રહેલ હોય જેથી હાલની નગરપાલિકાની બોડી વિસર્જિત કરી સરકારી રાહે વહીવટ સંભાળી લઇ બંધારણીય જાેગવાઈઓ મુજબ યોગ્ય અને પ્રજાલક્ષી ર્નિણય લેવાની માંગણી સાથેનું એક આવેદનપત્ર દેવગઢબારીયાના નગરજનોએ જિલ્લા કલેકટર દાહોદ તથા નગરપાલિકા કમિશનર ગાંધીનગરને આપતા દેવગઢબારીયા નગરપાલિકા લોબીમાં ખળખળાટ મચી જવા પામ્યો છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દેવગઢબારિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી વર્ષ ૨૦૧૮ ફેબ્રુઆરીમાં યોજાઇ હતી. જેમાં ૨૪ સભ્યો પૈકી ૧૧ સભ્યો ભાજપના અને ૧૩ સભ્યો કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટાયા હતા. જેથી બહુમતીના કારણે દેવગઢબારિયા પાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બન્યું હતું અને વોર્ડ નંબર બે ના ભીખા મદીના રફિકભાઈને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા અને તેઓના પ્રમુખ બન્યાના ૯૦ દિવસની અંદર તેઓ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી તેઓને પ્રમુખ પદેથી દૂર કરાયા હતા અને આ માટે કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્યો ભાજપમાં જાેડાઈ ગયેલ અને તેઓને મોટી રકમનો અવેજ આપી તેમજ હોદ્દાની લાલચ આપી નવી બોડી તૈયાર કરવામાં આવી હતી અને તેમાં દેવગઢબારિયા નગરપાલિકાના વોર્ડ નંબર (બે) ના જેથરા ફારૂકભાઈ મુસાભાઇ અઢી વર્ષની અવધિ માટે પ્રમુખ બન્યા હતા. ત્યારબાદ નાથાણી દક્ષાબેન મિતેશભાઇ પ્રમુખ બન્યા જેથી મોટી રકમ અને હોદ્દાના લોભે પક્ષાંતર થતા આ સભ્યો સામે ગુજરાત પક્ષાંતર ધારા ૧૯૮૬ ની કલમ ૩ હેઠળ તેઓના પક્ષ દ્વારા પ્રાથમિક સભ્ય પદ પરથી દૂર કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.