વડોદરા : બેન્કો સાથે ૧૫ હજાર કરોડ ઉપરાંતની છેતરપિંડી કરી વિદેશ ભાગી ગયેલા મોસ્ટ વોન્ટેડ ભાગેડુ સાંડેસરા પરિવારને અલ્બેનિયા અને નાઈજિરિયાથી ભારત પરત લાવવાની ગતિવિધિઓએ વેગ પકડયો છે. મેહુલ ચોકસી બાદ નીતિન અને ચેતન સાંડેસરાને પરત લાવવા માટે ડિપ્લોમેટ્‌સ અને ટોચની તપાસ એજન્સીઓ બંને દેશોના ઉચ્ચ સત્તાવાળાઓનો સંપર્ક કર્યો છે અને અલ્બેનિયા તેમજ નાઈજિરિયાની સરકારે ભાગેડુ સાંડેસરા પરિવારને સોંપવાની તૈયારી દર્શાવી હોવાનું બહાર આવ્યું છે.

જુદી જુદી રાષ્ટ્રીયકૃત બેન્કોમાંથી બોગસ કંપનીઓ ઊભી કરી પરિવાર સાથે વિદેશ ભાગી ગયેલા સાંડેસરાબંધુઓની સ્ટર્લિંગ જૂથની વડી કચેરી વડોદરા ખાતે આવેલી હતી અને પાદરા તેમજ હાલોલ ખાતે જુદી જુદી કંપનીઓ શરૂ કર્યા બાદ નીતિન અને ચેતન સાંડેસરાએ ૩૪૦ જેટલી સેલ કંપનીઓ ઊભી કરી હતી. જે પૈકી ૯ર કંપનીઓ વિદેશમાં હતી અને મોટાભાગની સેલ કંપનીઓમાં મનીલોન્ડરિંગ અને હવાલાના જ વ્યવહારો કરવામાં આવતા હતા.

સાંડેસરાબંધુઓ દ્વારા બેન્કો સાથે મળી કરાયેલા ૧૫ હજાર કરોડના કૌભાંડમાં બેન્કોના ડાયરેકટરો, ઉચ્ચ અધિકારીઓ, રાજકીય હસ્તીઓ અને સનદી અધિકારીઓની પણ મિલીભગત હોવાનું બહાર આવ્યું હતું અને સીબીઆઈ, ઈડી દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી. એક તબક્કે સાંડેસરા જૂથના કૌભાંડો સંસદમાં પણ ચમકયા હતા. બાદમાં એમના નામ મોસ્ટ વોન્ટેડ ફયુજીટિવમાં સામેલ કરાયા હતા. જાે કે, એકવાર દિલ્હી એરપોર્ટ ઉપર નીતિન સાંડેસરા ઝડપાઈ ગયો હતો. પરંતુ વગ વાપરીને કે કાયદાની છટકબાકીનો લાભ ઉઠાવીને એ છટકી ગયા બાદ એ દુબઈ, નાઈજિરિયા અને બાદમાં અલ્બેનિયા ખાતે ભાગી ગયો હતો, અને ત્યાં પણ મોટી મોટી કંપનીઓ સ્થાપી ત્યાંનું નાગરિકત્વ મેળવ્યા બાદ અલ્બેનિયાનો પાસપોર્ટ પણ મેળવી લીધો હતો.

સાંડેસરા પરિવારે કરેલા કૌભાંડો બાદ નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા તેમની પત્ની દીપ્તિ અને સાળો હિતેશ પટેલને પણ ભાગેડુ જાહેર કરાયા હતા અને બધા એક સાથે આજે અલ્બેનિયામાં છે. જાે કે, હિતેશ પટેલ પાસે ભારતીય પાસપોર્ટ છે. જાે કે, બધા સામે ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ જારી થયેલી છે. તાજેતરમાં જ ભાગેડુ મેહુલ ચોકસીને ભારત પરત લાવવા માટે ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓની ટીમ ડોમિનિકા પહોંચી હતી. બાદમાં સાંડેસરાબંધુઓને પણ ભારત લાવવાના પ્રયત્નો તેજ બન્યા છે અને અલ્બેનિયા તેમજ નાઈજિરિયાની સરકારે પણ તૈયારી દર્શાવી છે. ત્યારે ટૂંક સમયમાં કૌભાંડી સાંડેસરા પરિવારને ભારત લવાશે એવી શક્યતાઓ ઊભી થઈ છે.

નાઈજિરિયા સરકારે તૈયારી દર્શાવી!

વડોદરા. કૌભાંડી સાંડેસરા પરિવારને ભારત પરત લાવવા માટે રાજદુતો અને તપાસ એજન્સીના ઉચ્ચ અધિકારીઓ નાઈજિરિયન સરકાર સાથે વાટાઘાટો કરી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે અને ખુદ નાઈજિયરિયા સરકારે પણ સાંડેસરા પરિવાર જેમાં નીતિન, ચેતન અને દીપ્તિ સાંડેસરા ઉપરાંત સાળો હિતેશ પટેલને સોંપવાની તૈયારી દર્શાવતાં હવે તેમને ભારત પરત લાવવાનો માર્ગ મોકળો થયો હોવાનું સૂત્રોએ ઉમેર્યું છે.

આલ્બેનિયા સરકારે પણ ભારતની વિનંતી સ્વીકારી

વડોદરા. સાંડેસરાબંધુઓ જાે અલ્બેનિયામાં હોય તો પણ એમને ભારત લાવવામાં મુશ્કેલી નહીં પડે એમ જણાવી સૂત્રોએ જણાવ્યું હતું કે, અલ્બેનિયા દેશની ભારત સાથે પ્રત્યાર્પણ સંધિ નથી, પરંતુ ભારતની વિનંતી સ્વીકારી અલ્બેનિયા સરકારે નીતિન અને ચેતનની ધરપકડ કરવાની તૈયારી દર્શાવી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાગેડુ સાંડેસરાબંધુઓએ પ્રત્યાર્પણ સંધિ નહીં હોવાથી જ અલ્બેનિયાનું નાગરિકત્વ અને પાસપોર્ટ ફેબ્રુઆરી, ૨૦૧૮માં હાંસલ કરી લીધો હતો.