કચ્છ (ભુજ ) રાજ્યમાં ભડકાઉ ભાષણ આપી વિવાદ ઉભો કરનાર મુફ્તી સલમાન અઝહરિ સામે કચ્છના સામખીયાળીમાં પણ ફરિયાદ દાખલ કરાઈ હતી, આ મામલે ગત તા.૭ના આરોપી અઝહરીને ભચાઉ કોર્ટમાં હાજર કરાયો હતો અને કોર્ટે તેને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. આરોપી અઝહરીના આજે દિવસના પોલીસ રિમાન્ડ પુરા થતા ભચાઉની સ્પે.કોર્ટમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે બન્ને પક્ષની દલીલો સાંભળી આરોપી અઝહરીના તરફે શરતી જામીન મંજુર કર્યા હતા. રૂ.૩૦ હજારના બોન્ડ ઉપર જામીન મળતા કોર્ટમાંથી બહાર આવેલા અઝહરીને હાજર રાજકોટ પોલીસે કસ્ટડીમાં લઇ આરોપી સાથે રાજકોટ જવા રવાના થઈ હતી.જૂનાગઢની જેમ સામખીયાળીમાં પણ જાહેર મંચ પરથી ભડકાઉ ભાષણ આપનાર મૌલાના અઝહરી ને આજે પૂર્વ કચ્છ ક્રાઈમ બ્રાન્ચની ટિમ રિમાન્ડ પુરા થતા ફરી ભચાઉ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટ કાર્યવાહી દરમિયાન સરકારી વકીલ વિઠલાણીએ આરોપી સામે આ પૂર્વે પણ ૧૦ જેટલા ગંભીર આરોપ હોવાની અને રાજ્ય બહારથી આવી અશાંતિ ફેલાવવાના પ્રયાસને ધ્યાને લઇ જામીન સામે વાંધો રજૂ કર્યો હતો, જેની સામે બચાવ પક્ષની વકીલ પેનલે પણ વિવિધ દલીલો રજૂ કરતા સ્પે. કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુ.યોગીતા શર્માએ રજૂઆતને ગ્રાહે રાખી રૂ.૩૦ હજારના શરતી જામીન મંજુર કર્યા હતા. બચાવ પક્ષના વકીલ તરીકે સિદ્ધિક નારેજા, રમેશ પરમાર, ગુલામસા શેખ, સાજીદ મકરાની, ઇમરાન મેમણ, રફીક રાયમાં હાજર રહ્યા હતા.આરોપી અઝહરીને કોર્ટમાંથી જામીન મળતા કોર્ટની બહાર હાજર રાજકોટ પોલીસે તેની કસ્ટડી મેળવી, રાજકોટ જવા રવાના થઈ હતી. આ સમયે કોર્ટ સંકુલ બહાર કચ્છ લઘુમતી સમાજના અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. પોલીસ દ્વારા લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.