વડોદરા, તા.૧૨

વડોદરા શહેરની મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં તંત્ર દ્વારા મોટાભાગના વોર્ડમાં પાણીના કુલરો વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં પણ હાલના તબક્કે દર્દીઓ અને તેમના સગાઓમાં પાણીનો પોકાર છે. જગ્યાના પાણીના કુલરોમાં પાણી આવે છે ત્યાં દર્દીના સગાઓની બોટલો લઈને લાંબી લાઈનો પડતી હોવાનું જાેવા મળી રહ્યું છે, જેથી એક જ કુલર ઉપર પાણી લેવાનો મારો જાેવા મળી રહ્યો છે. અલબત્ત પાણીની પોકાર માટે દર્દીના સગાઓમાં હાલના તબક્કે પણ છુપા રોષની લાગણી જાેવા મળી રહી છે.

જાેકે, સયાજી હોસ્પિટલમાં છાસવારે પીવાના અને પાણીના વપરાશની અછત ની ફરિયાદ તેમજ બૂમો સયાજી હોસ્પિટલના વહીવટી તંત્ર તેમજ અધિકારીઓ સમક્ષ પહોંચતા તંત્ર દ્વારા મોટાભાગનાં વોર્ડમાં પીવાના ઠંડા પાણી માટે કુલરો ગોઠવવામાં આવ્યા છે અને હાલના તબક્કે પણ સર્જિકલ વોર્ડમાં છ જેટલા નવા ઠંડા પાણી માટે કુલરો ગોઠવવામાં આવ્યા છે. પરંતુ પીડિયાટ્રિક વોર્ડ તેમજ તાત્કાલિક સારવાર વિભાગની ઉપર આવેલા મેડિસિન વોર્ડમાં પીવાનું અને વાપરવાનું પાણી ન આવતા મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. તો પીડિયાટ્રિક વોર્ડના દાખલ દર્દીના સગાઓને બાટલો લઈને પાણી ભરવા માટે છેક તાત્કાલિક સારવાર વિભાગની બહાર આવેલા કુલર ખાતે પાણી ભરવા આવી રહ્યા છે. સયાજી હોસ્પિટલમાં છાશવારે દર્દીઓને પીવાના પાણી તેમજ વપરાશના પાણીની અછત જાેવા મળી રહી છે. જેની સીધી અસર હોસ્પિટલમાં દાખલ દર્દીઓ તેમજ તેમના સગાઓ ઉપર પડી રહી છે. એટલું જ નહીં વોર્ડમાં પાણી ન આવવાના કારણે દર્દીના સગાઓને પાણી માટે દરદર ભટકવું પડે છે.