ભરૂચ, ભરૂચના નેશનલ હાઇવે નં.-૪૮ પર ઝાડેશ્વર ખાતે આવેલ નર્મદા નદી ઉપર આવેલ કેબલ બ્રિજમાં એક માલ ભરેલ ટ્રક નંબર- જીજે-૧૬-ઝેડ-૯૫૦૭ પસાર થઈ રહી હતી. એક માહિતી મુજબ પુઠ્ઠા કાગળ બનવવાના રો મટીરીયલ ભરેલ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ટ્રકનો દ્રાઈવર અને ક્લીનર ઝડપભેર ટ્રકમાંથી કુદી પડ્યા હતા. ટ્રકમાં આગ લાગતાં કેબલબ્રિજ પરથી પસાર થતાં વાહનો એક સમયે અટકી ગયા હતા. ભરૂચ પોલીસને આગ લાગી હોવાની જાણ થતાં જ સ્થળ ઉપર દોડી આવતા ટ્રાફિક નિયમન કર્યું હતું. ત્યારબાદ ફાયર ફાયટરો પણ ઘટના સ્થળે દોડી આવતાં લાગેલ આગને કાબુમાં લેવાની જહેમત ઉઠાવી હતી. ફાયર ફાયટરોને આગ ઓલવવાની સફળતા મળતા રોકાયેલા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બાદમાં બ્રિજ ઉપરથી વાહન વ્યવહાર રાબેતામુજબ શરૂ કરી દેવામાં આવ્યો હતો. સદનસીબે કોઈ જાન ઇજા થઇ ન હતી.