ભરૂચ, ભરૂચમાં કોરોના વેક્સિન માટે લોકો વેકસીનેટર સેન્ટરો પર મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે જેનાથી કોરોના સંક્રમણનો ભય ઉભો થઈ રહ્યો છે. તંત્ર દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવે તે જરૂરી છે. સરકાર દ્વારા ૧૮ વર્ષથી ઉપરના તમામને રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. પણ રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન હોવાથી કહેવા ખાતર બે ત્રણ સેન્ટરો પર રસીકરણ ચાલી રહ્યું છે. ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે તેમજ વયસ્કો માટે રસી કરણ કેન્દ્રો અલગ છે પણ તેની સંખ્યા ખૂબ ઓછી છે. તે ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં રૂપિયા ચૂકવી રસી મેળવી શકાતી હતી તે સુવિધા પણ બંધ થઈ છે. જેથી એક ડોઝ લેનાર વયસ્કો માટે ભારે હાલાકી સર્જાઈ રહી છે. યોગ્ય માહિતી અને વેકસિનના અભાવે એકથી બીજા સ્થળે વયસ્કો બીજા ડોઝ માટે દોડધામ કરી રહ્યા છે. રસી મેળવવા માટે રસીકરણ કેન્દ્રો પર વહેલી સવારથી જ લાઈનો પડી રહી છે. જેથી ખૂબ મોટી સંખ્યામાં લોકો રસીકરણ કેન્દ્રો પર ઉમટી રહ્યા છે.

એક તરફ તંત્ર લોકોને એકત્ર ન થવા માટે અપીલ કરી છે પરંતુ વેક્સિંન લેવા માટે લોકોની સવારથી જ કતારો જામી રહી છે. જેથી રસી લેવાની લ્હાયમાં કોરોના સંક્રમિત થવાનો ભય પણ સતાવી રહ્યો છે. આવા સમયે કોરોના ગાઈડ લાઈનનું પાલન થાય તે જરૂરી છે. યોગ્ય સંખ્યામાં રસીકરણ કેન્દ્રો કાર્યરત કરવા અને રસીનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવાની પણ એટલું જ જરૂરી છે. જે લોકોએ રસીનો બીજાે ડોઝ જ લોકોને લેવાનો સમય થઈ ગયો હોય તેમને પ્રાથમિકતા આપવામાં આવે તે માટેનું આયોજન કરવાની આવશ્યકતા જણાઈ રહી છે.

ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી ૩,૧૨,૩૨૨ થી વધુ લોકોએ રસી મુકાવી

હાલ કોરોનાની બીજી લહેર ખુબ જ બેકાબુ બની છે ત્યારે ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, સાથે જ શહેર અને જિલ્લામાં અનેક હોસ્પિટલમાં બેડની પૂરતી વ્યવસ્થા નથી, તે વચ્ચે લોકો પણ જાગૃત થઈ રહ્યા છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં કુલ ૨૬૨ જેટલાં વેક્સીન સેન્ટરો આવેલા છે જેમાં ૧૮ થી વધુ વયના લોકો વેક્સીન લઇ રહ્યાં છે જેમાં લગભગ દરરોજ ૬૦૦૦ જેટલાં લોકોનું વેક્સીનેશન થઈ રહ્યું છે. મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં ૩,૧૨,૩૨૨ થી વધુ લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે જે પૈકી પ્રથમ રસીકરણ લગભગ ૨,૩૬,૦૦૦ થી ઉપરાંત લોકોએ કરાવ્યું છે.