વડોદરા, તા. ૧૨

ઉનાળાની શરૂઆત સાથે જ વડોદરા શહેરમાં પાણીનો કકળાટ શરૂ થઇ ગયો છે. ત્યારે કોર્પોરેશન વડોદરાના શહેરીજનો સુધી પીવાનું પાણી પહોંચાડવામાં નપાણીયું સાબિત થયું છે. તો બીજી તરફ શહેરના જુદા જુદા વિસ્તારમાં કાર્યરત સરકારી કચેરીઓમાં પણ પીવાના પાણી માટે જગ મંગાવવાની નોબત આવી છે. જેમાં કોર્પોરેશનની વડી કચેરી પણ બાકાત રહી નથી. એક અંદાજ પ્રમાણે જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા પોલીસ ભવન, કોર્પોરેશનની કચેરી, સહિતની સરકારી કચેરીમાં રોજના ૪૦૦ જગ પીવાનું પાણી મંગાવવામાં આવે છે. તો શું આ ખર્ચ સરકારના માથે કે પછી અરજદારોના માથે તે જ એક પ્રશ્ન છે.

વડોદરા શહેરમાં પાણી પૂરું પાડવાની સંપૂર્ણ જવાબદારી કોર્પોરેશનની છે. જેમાં માત્ર રહેણાંક વિસ્તારો નહીં,પરંતુ સરકારી કચેરીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે રહેણાંક વિસ્તારમાં જ પાણી પૂરું પાડવામાં નપાણીયું કોર્પોરેશનનું તંત્ર સરકારી કચેરીઓમાં પાણી પહોંચાડવામાં પણ સક્ષમ નથી. વડોદરા જિલ્લા કલેકટરની કચેરીમાં રોજના ૨૦ જગ પાણી મંગાવામાં આવે છે. તેજ રીતે પોલીસ ભવનમાં રોજના ૨૦ જગ જેટલું પાણી આવે છે. એટલું જ નહીં કોર્પોરેશનની વડી કચેરી ખાતે પણ રોજના ૧૦ જગ પીવાનું પાણી મંગાવવામાં આવે છે. તે પુરાત શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરી, નર્મદા ભવન, કુબેર ભવન, શહેરના વિવિધ પોલીસ સ્ટેશન, કોર્પોરેશનની વોર્ડ ઓફિસ, વીજ કંપનીની કચેરીઓ સહિતની તમામ સરકારી કચેરીમાં પણ પીવાના પાણી માટે જગનો સહારો લેવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે શહેરની સરકારી કચેરીઓમાં રોજના ૫૦૦ જગ પાણી મંગાવવામાં આવે છે. જે આંક ખરેખર ખુબ જ ઊંચો છે.

શું છે પાણીના જગનું સરકારી કચેરીનું ગણિત?

વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓમાં એક અંદાજ મુજબ રોજના ૫૦૦ જગ પાણી મંગાવવામાં આવે છે. જેનો અર્થ એ થયો કે, રોજનું ૧૦,૦૦૦ લીટર પાણી ખરીદવામાં આવે છે. એક જગનો માર્કેટ ભાવ રૂ. ૩૦ છે. જે અનુસાર રોજના ૫૦૦ જગના રૂ. ૩૦ અનુસાર કુલ રૂ. ૧૫૦૦૦નો ખર્ચ પાણીના જગ માટે થાય છે. જેનો મહિનાનો અંદાજિત ખર્ચ રૂ. ૪ લાખ જેટલો થાય છે.

હવે, પાણી ન મળતાં કલેક્ટર કોને રજૂઆત કરશે?

સામાન્ય રીતે જિલ્લામાં કોઈ પણ વ્યક્તિને મુશ્કેલી હોય તો રજૂઆત કરવા કલેકટર પાસે આવે છે. પાણીની તકલીફ હોય તો તેની રજૂઆત પણ કલેકટરને જ કરવામાં આવે છે. ત્યારે હવે, કલેકટર કચેરીમાં જ પાણીની મુશ્કેલી છે. કર્મચારીઓના જણાવ્યા અનુસાર કોર્પોરેશન દ્વારા જે પાણી આપવમાં આવે છે તેનો સ્વાદ ભાવતો નથી. જેથી પાણીના જગ મંગાવવાની નોબત આવી છે. હવે, કલેકટરે પોતાની મુશ્કેલી માટે કોને રજૂઆત કરવી? તે જ મોટો પ્રશ્ન છે.

અધિકારીઓ માટે જગ નહીં બોટલની વ્યવસ્થા

કલેકટર કચેરી હોય કે પછી, કલેકટર કચેરી સંલગ્ન અન્ય કચેરી, પોલીસ ભવન હોય કે પછી પોલીસ સ્ટેશન કે પછી વોર્ડ ઓફિસ અધિકારીઓ માટે તો પાણીના બોટલ જ ઓર્ડર કરવામાં છે. રૂ. ૫ના નાના બોટલ મોટી સંખ્યામાં દર સપ્તાહે મંગાવવામાં આવે છે. જેનો જ ઉપયોગ અધિકારીઓ તેમજ તેમના મહેમાનો માટે કરવામાં આવતો હોય છે. તેનો પણ અંદાજિત ખર્ચ દર મહિને રૂ. ૨ લાખ જેટલો આંકવામાં આવી રહ્યો છે.