18, સપ્ટેમ્બર 2025
મુંબઈ |
2178 |
સુબ્રતો બેનર્જી અને એસ શરથના સ્થાને બન્નેના સમાવેશની શક્યતા
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રાષ્ટ્રીય પસંદગી સમિતિમાં ફેરફારોની જાહેરાત કરી છે. ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર આરપી સિંહ અને ડાબોડી સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને રાષ્ટ્રીય પસંદગી સમિતિમાં સામેલ કરવામાં આવશે.આરપી સિંહ અને પ્રજ્ઞાન ઓઝાને પસંદગીકાર પદ માટે અરજી કરવાનું કહેવામાં આવ્યું છે. ક્રિકેટ સલાહકાર સમિતિની વાર્ષિક સામાન્ય સભા પહેલા તેમના નામોને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે.
સુબ્રતો બેનર્જી અને એસ. શરથને વર્તમાન પસંદગી સમિતિમાંથી દૂર કરવામાં આવશે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અજિત અગરકર મુખ્ય પસંદગીકાર છે. આરપી સિંહ સેન્ટ્રલ ઝોનમાંથી પસંદગીકાર બનશે.મળતી વિગતો મુજહ BCCIએ ગયા મહિને બે રાષ્ટ્રીય પસંદગીકારોના પદો માટે અરજીઓ મગાવી હતી. જોકે, મળતા અહેવાલો અનુસાર, કોઈ પણ અગ્રણી વ્યક્તિએ પસંદગીકારો બનવામાં રસ દાખવ્યો નથી. ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર પ્રવીણ કુમારે આ પદ માટે અરજી કરી હતી. ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશિષ વિન્સ્ટન ઝૈદી અને હિમાચલ પ્રદેશના શક્તિ સિંહ સેન્ટ્રલ ઝોનના અન્ય ઉમેદવારો હતા.
આરપી સિંહ ભારતની 2007 T20 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય હતા. તેણે 82 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં 124 વિકેટ લીધી છે. જ્યારે પ્રજ્ઞાન ઓઝાને સાઉથ ઝોનનો પસંદગીકાર તરીકે નિયુક્ત કરવામાં આવી રહ્યો છે. ઓઝાએ તેની કારકિર્દીમાં 144 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી હતી, જેમાંથી 113 ટેસ્ટ ક્રિકેટમાં હતી.