18, સપ્ટેમ્બર 2025
દ્વારકા, ગુજરાત |
5049 |
ગુજરાતના સલાયા બંદર પરથી આશરે 40 વહાણોની ઇમિગ્રેશન પ્રક્રિયા અચાનક બંધ થઈ જતાં, આશરે ₹1,000 કરોડનો વિદેશી વેપાર થંભી ગયો છે. આ વહાણોમાં ચોખા, ખાંડ, મગફળી અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ ભરીને ગલ્ફ અને આફ્રિકન દેશોમાં જવાનું હતું, પરંતુ ઇમિગ્રેશન પ્રક્રિયા ન થવાથી તેઓ સલાયામાં જ અટવાઈ પડ્યા છે.
શું છે સમગ્ર મામલો?
ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિએશનના પ્રમુખ આદમભાઈ ભાયાના જણાવ્યા મુજબ, વિદેશ જતા વહાણોને ભારતના કોઈ પણ બંદર છોડતા પહેલા ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે. સલાયામાં 2015થી આ પ્રક્રિયા ચાલુ હતી, પરંતુ 8 સપ્ટેમ્બરથી આ કામગીરી અચાનક બંધ કરી દેવામાં આવી છે. આ પહેલા સિક્કા અને પછી રાજકોટના આઈ.બી. વિભાગને આ સત્તા સોંપવામાં આવી હતી, પરંતુ હવે ત્યાં પણ કામગીરી બંધ થઈ ગઈ છે.
પરિણામે, પોરબંદર, મુંદ્રા અને બેડી જેવા બંદરોએથી માલ ભરીને નીકળેલા આશરે 40 વહાણો સલાયાથી આગળ વધી શકતા નથી. સામાન્ય નિયમ મુજબ, જો મૂળ બંદરે કામગીરી ન થાય, તો નજીકના બંદરો પર આ પ્રક્રિયા કરાવી શકાય છે, પરંતુ અધિકારીઓ "અમારા અધિકારક્ષેત્રમાં નથી" એવા બહાના આપીને કામ કરવાનો ઇનકાર કરી રહ્યા છે.
ભારતના સી-ઇકોનોમી માટે મોટો પડકાર
આ ઘટના ભારતના સી-ઇકોનોમી (દરિયાઈ અર્થતંત્ર) ને વિકસાવવાના પ્રયત્નો માટે એક મોટો પડકાર છે. ભારત પાસે માત્ર 465 કાર્ગો વહાણો વિદેશી વેપાર માટે ઉપલબ્ધ છે, જ્યારે એકલા પનામા પાસે 8,500 વહાણો છે. સૌરાષ્ટ્રના લાકડાના વહાણો વાર્ષિક 5 લાખ ટનથી વધુ માલનું પરિવહન કરે છે, જેની રેવન્યુ ₹10,000 કરોડથી વધુ છે. આવા સંજોગોમાં, દેશના પોતાના વહાણોને પ્રોત્સાહન આપવાને બદલે આવી અવરોધો ઊભા થાય તો દેશના વેપારને મોટું નુકસાન થઈ શકે છે.