વડોદરા, તા.૧૫

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખંડેરાવ માર્કેટ અને વેરાઇ માતા ચોક વિસ્તારમાં ફ્રૂટના વેપારીઓના ત્યાં દરોડા પાડી ચેકિંગ હાથ ધરમાં આવ્યું હતું. ચેકિંગનો મુખ્ય ઉદેશ કેરીઓને પાવડર અને કેમિકલ દ્વારા પકવાતી હોય તો તેવા વેપારીઓને ઝડપવાનો હતો. જાેકે, પાલિકાની ટીમની તપાસમાં ફળો પકાવવા માટે ઉપયોગમાં લેવાતા કેલ્શિયમ કાર્બાઈડની પડીકીઓ મળી આવી ન હતી, પરંતુ હવે ફળો ઇથિલીન રાઇપનરથી પકાવવામાં આવી રહી હોવાનું મળ્યું હતું! ઇથિલીન રાઇપનરને ફળો પકવવા માટે મંજૂરી આપવામાં આવી હોવાથી પાલિકાનો દાવ ઊંધો પડ્યો હતો. જાેકે, ચેકિંગ દરમિયાન ૮૫ કિલો અખાદ્ય ફળોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

ઉનાળાની ઋતુમાં રસદાર ફળો જેવા કે, ફળોનો રાજા કેરીઓ ઉપરાંત દ્રાક્ષ, તરબૂચ, ચીકુ વગેરેનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ઉપરાંત શહેરમાં ઠેર-ઠેર કેરીના જ્યૂસનું પણ વેચાણ શરૂ થઈ ગયું છે. ત્યારે વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતાં તત્વોને ઝડપી લેવા એક ડ્રાઇવનું આયોજન કરાયું હતું. ઓ ડ્રાઇવમાં ફળો કેવી રીતે પકાવવામાં આવી રહ્યા છે, તેની તપાસ મુખ્ય હેતુ હતો. તે અંગે ખંડેરાવ માર્કેટ અને વેરાઇ માતા ચોક સ્થિત ફ્રૂટ માર્કેટમાં દરોડા પાડી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખંડેરાવ માર્કેટ, વેરાઇ માતા રોડ, સિદ્ધનાથ રોડ અને તેની આસપાસમાં આવેલ ૫૫ જેટલી ફ્રૂટના વેપારીઓની વખારો અને દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન ૮૫ કિલો સડી ગયેલી કેરીઓ, ચીકુ, પપૈયા, સફરજનનો નાશ કરવામાં આવ્યો હતો. શિડ્યૂઅલ-૪ મુજબ વેપારીઓને સફાઇ રાખવા માટે કડક તાકીદ કરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ અગાઉ વેપારીઓ દ્વારા પ્રતિબંધિત કેલ્શિય કાર્બાઈડ દ્વારા કેરીઓ પકવવામાં આવતી હતી. જાેકે, હવે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ફળો પકાવવા માટે ઇથિલીન રાઇપનરના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. આથી ફળોની વખારો અને દુકાનોમાં ફળો પકાવવા માટે અગાઉ ઉપયોગમાં લેવાતા કેલ્શિય કાર્બાઈડની પડીકીઓ કોઇ જગ્યાએથી મળી આવી ન હતી. તેની સામે ઈથિલીન રાઈપનરનો ઉપયોગ કરાત હોવાનું જણાઈ આવ્યું હતંુ.

વડોદરાના બજારમાં કેરીનો ૧૦ કિલોનો ભાવ ૨૦૦૦થી ૨૫૦૦

વડોદરા, તા. ૧૫

ઉનાળાની શરૂઆતથી સાથે જ ફળોનો રાજા એવી કેરીની આવક અને ઉપાડ શરૂ થઇ જતો હોય છે. વડોદરાના બજારોમાં કેરીનો પ્રતિ ૧૦ કિલોનો ભાવ રૂ. ૨૦૦૦થી ૨૪૦૦ જેટલો છે. જયારે રત્નાગીરી હાફુસ પ્રતિ ડઝનનો ભાવ રૂ. ૮૦૦ જેટલો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની સરખામણીએ કેરીના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો નોંધાયો છે.

ગુજરાતમાં કદાચ એવું કોઈ વ્યક્તિ હશે જેની કેરીનો સ્વાદ નથી ભાવતો. ઉનાળો આવે એટલે ઘરમાં કેરીના જ જુદા જુદા વ્યજંન જરૂર બને. વડોદરા હોય કે રાજ્યના કોઈ પણ બજાર કેરીનું આગમન શરૂ થઇ ગયું છે. પરંતુ વડોદરાની વાત કરીએ તો ગતવર્ષની સરખામણીએ આ વર્ષે કેરીના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા એક સપ્તાહથી કેરીના ભાવમાં વધારો નોંધાયો છે. જાેકે, આગામી થોડા દિવસોમાં નવો સ્ટોક આવે ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ વેપારીઓ જાેઈ રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગ અને કમોસમી માવઠાની અસર કેરીના પાક પર થઇ છે. જેના કારણે આ વર્ષે ભાવમાં વધારો થયો છે. વડોદરામાં હાલમાં રત્નાગીરી હાફૂસનો ભાવ પ્રતિ ડઝન રૂ. ૮૦૦ છે. જે રિટેલ ભાવ છે. હોલસેલના બજારમાં રત્નાગીરી હાફૂસનો ભાવ પ્રતિ ડઝન રૂ. ૫૦૦થી ૫૫૦ જેટલો છે.

તો બીજી તરફ ગુજરાતીઓમાં સૌથી વધુ પ્રખ્યાત એવી કેસર કેરીનો ભાવ હાલ વડોદરામાં ઘણો વધારે છે. રત્નાગીરીથી આવતી કેસર કેરી વડોદરામાં હોલસેલ માર્કેટમાં એક પેટીના (અંદાજે ૧૦ કિલો)નો ભાવ રૂ. ૧૯૦૦ જેટલો છે. જયારે આજ કેરી રિટેલ માર્કેટમાં એક પેટીના રૂ. ૨૪૦૦થી ૨૫૦૦ના ભાવે વેચાઈ રહી છે. જયારે વલસાડથી આવતી કેરીનો એક પેટીનો હોલસેલ ભાવ રૂ. ૧૬૦૦ જયારે રિટેલ ભાવ રૂ. ૨૦૦૦ જેટલો છે. સામાન્ય રીતે કેરીનો ભાવ એપ્રિલ મહિનામાં એક પેટીના રૂ. ૮૦૦થી ૧૦૦૦ થઇ જતો હોય છે. પરંતુ આ વર્ષે હજી ભાવ ઘટવાનું નામ લેતો નથી.

ઉલ્લેખનીય છે કે, આ વખતે મહોર આવવાની શરૂઆત તો થઈ હતી, ત્યારબાદ આંબા પર નાની મોટી ખાખટી પણ આવી હતી. પરંતુ શિયાળામાં ઓછી ઠંડી અને ઉનાળો વધુ પડતો તાપ પડવાના કારણે આંબા પરથી મહોર ખરવાનું પ્રમાણ વધ્યું છે. એટલું જ નહીં એપ્રિલમાં કેરી તૈયાર થઈ જાય છે, પરંતુ હાલ આંબા પર અચાનક કુપળો ફૂટીને નવા પાન આવવાની શરૂઆત થઈ છે. જે ચોમાસામાં ફૂટતા હોય છે. ગ્લોબલ વોર્મિગની આ અસરથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

તલાલા-ગીર અને કચ્છની કેરી ક્યારે આવશે?

વડોદરામાં હજી તલાલા-ગીરથી તેમજ કચ્છથી કેસર કેરીની આવક શરૂ થઇ નથી. વડોદરામાં ફળના હોલસેલ વેપારી દીપકભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, આ વર્ષે તલાલા-ગીરથી આવતી કેસર કેરી આવતા હજી ૧૫ દિવસનો સમય લાગશે. એટલે કે ૧ મે બાદ વડોદરાના બજારમાં તલાલા-ગીરની કેસર કેરી મળશે. જાેકે, તેનો ભાવ શું હશે તે હાલમાં કેહવું મુશ્કેલ છે. તો કચ્છની કેસર કેરી ૧૫મી જૂન બાદ જ બજારમાં આવશે.

તળાજામાં સામાન્ય કરતાં ઓછું ઉત્પાદન

તળાજા તાલુકામાં આ વખતે કેરીનું ઉત્પાદન ૬૦થી ૭૦ ટકા જેટલું જ થયું છે. જે સામાન્ય કરતા ઓછું આંકવામાં આવી રહ્યું છે. ઓછા ઉત્પાદનને કારણે કેસર કેરીનો સ્વાદ આ વખતે મોંઘો પડે તેવી શક્યતા નકારી શકતી નથી. ગરીબ પરિવારો માટે તો કેરી આ વર્ષે એક સ્વપ્ન બને તેવા સંજાેગો દેખાઈ રહ્યા છે. તળાજા પંથકમાં દર વર્ષે લગભગ ૫૦૦૦ ટન કેરીનું ઉત્પાદન થાય છે. પરંતુ આ વખતે ઉત્પાદન માત્ર ૧૫૦૦થી ૨૦૦૦ ટન જ થયું છે.

કેરી શું ભાવે મળે છે?

કેરી હોલસેલ રિટેલ

હાફુસ (રત્નાગીરી) ૫૦૦ ૮૦૦

કેસર (રત્નાગીરી) ૧૯૦૦ ૨૫૦૦

કેસર (વલસાડ) ૧૬૦૦ ૨૦૦૦

બદામ (બેગ્લોરી) ૧૦૦૦ ૧૪૦૦

બદામ (હૈદ્રાબાદી) ૬૦૦ ૮૦૦

તોતાપુરી (દક્ષિણ ભારત) ૬૦૦ ૮૦૦