વડોદરા, તા.૪

રશિયા-યુક્રેન વચ્ચે હાલ ચાલી રહેલા યુદ્ધની વચ્ચે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતો અને વર્ક પરમિટ પર યુક્રેન ગયેલ યુવાન ફસાઈ જતાં ગત તા.રના રોજ હેમખેમ પરત વતન આવતાં તેના પરમાર પરિવારમાં આનંદની લાગણી છવાઈ હતી અને મળવા માટે સગાસંબંધીઓ આવી પહોંચ્યા હતા. આ યુવાન સાથે શહેરના ખોડિયારનગરમાં રહેતી વિદ્યાર્થિની અને છાણી વિસ્તારમાં રહેતો એક વિદ્યાર્થી મળી કુલ ૩ જણા વતન આવી પહોંચ્યા હતા.

શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતો સૌરભ પ્રતાપસિંહ પરમાર છ મહિના અગાઉ વર્ક પરમિટ પર યુક્રેન હોસ્પિટાલિટીના બેઈઝ પર જાેબ પરપઝથી ગયો હતો. એ દરમિયાન રશિયા-યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધમાં સૌરભ પરમાર સહિત અનેક મેડિકલ વિદ્યાર્થીઓ વિકટ પરિસ્થિતિમાં ફસાઈ ગયા હતા. સૌરભ પરમારે તેની આપવીતી જણાવતાં કહ્યું કે, યુક્રેનના સૈનિકો ભારતીયોને બોર્ડર પર આવતા રોકતા હતા અને અન્ય દેશોના લોકો અને વિદ્યાર્થીઓને પ્રથમ પ્રાયોરિટી આપતા હતા, જેથી અમો વિકટ સ્થિતિનો સામનો કરી મહામુસિબતે પોલેન્ડ બોર્ડર પર પહોંચ્યા હતા. પોલેન્ડ આવ્યા બાદ ર માર્ચના રોજ દિલ્હી અને ત્યાંથી ખોડિયારનગરની વિદ્યાર્થિની અને છાણીના વિદ્યાર્થી મૌલિક સાથે અમે દિલ્હી એરપોર્ટ આવ્યા હતા અને ત્યાંથી ત્રણેય જણા વોલ્વો બસ દ્વારા ગાંધીનગર આવ્યા હતા અને ગાંધીનગરથી વડોદરા શહેરમાં આવી પહોંચ્યા હતા. આ ત્રણેય પરિવારજનોમાં ભાવુક દૃશ્યો સર્જાયાં હતાં.