વડોદરા, તા.૧૦

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ ચૂંટણીને લઈ હવે ધીમેધીમે રાજકારણ ગરમાઈ રહ્યંુ છે. વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હજુ નિશ્ચિત નથી. અને ઉમેદવાર કોણ? તે અંગેની અટકળો શરૂ થઈ છે. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ગઈકાલે જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ વડોદરા આવ્યા હતા ત્યારે તેમની મુલાકાત લીધી હતી અને કોંગ્રેસ ટિકિટ આપે તો કોંગ્રેસમાંથી નહીં તો અપક્ષ ચૂંટણી લડવાનો છું, તેમ કહ્યું હતું. આ દરમિયાન મધુ શ્રીવાસ્તવનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ કહે છે કે, કોંગ્રેસને ડર છે, મધુભાઇ જીતી ગયા તેમને સંભાળશે કોણ? આ વીડિયોને લઈ રાજકીય મોરચે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

વાયરલ થયેલાં વીડિયોમાં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કહે છે કે, સાચી વાત કહું તો કોંગ્રેસને ડર છે કે, જાે મધુભાઇ ટિકિટ આપીશું અને મધુભાઇ જીતી ગયા, તો મધુભાઇને કોણ સંભાળશે. ભાજપ નથી સંભાળી શકતી, ભાજપને ગાંઠતા નથી. આપણને કેમ ગાઠશે?

પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, ચર્ચા વખતે ખોટી રીતે વીડિયો ઉતાર્યો છે અને ટુકડાં ટુકડાં કરીને વીડિયો મૂક્યો છે. તેમણે કહ્યું હતંુ કે, બધા મારા મિત્રો છે. મારી ટિકિટ કાપવા માટે આવું બધું કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ ટિકિટ આપશે, તો પણ લડીશ અને નહીં આપે તો પણ ચૂંટણી લડવાનો છું.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વડોદરામાં આયોજિત કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જ્યાં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તેમને મળવા માટે પહોંચ્યા હતા અને બંધ બારણે શક્તિસિંહ ગોહિલને મધુ શ્રીવાસ્તવ મળ્યા હતા. બંધ બારણે બેઠક પણ થઈ હતી જેથી મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા બેઠક પર કોંગ્રેસમાંથી લડશે તેવી અટકળો શરૂ થઈ છે.