વડોદરા, તા. ૧૦

શહેરમાં લીંબુનો ભાવ આસમાને પહોંચ્યો છે. ઉનાળામાં એક તરફ ગરમી વધતા લીંબુની માગ વધારો થયો છે અને બીજી તરફ બજારમાં લીંબુની આવકમાં ઘટાડો થયો છે. જેના પગલે લીંબુના ભાવે ડબલ સેન્ચ્યુરી પુરી કરી છે. હોલસેલ માર્કેટમાં ભાવ હજી એટલા નથી વધ્યા પરંતુ રિટેલ માર્કેટમાં ભાવ રૂ. ૧૮૦થી ૨૦૦ પહોંચી ગયો છે.

ઉનાળાની શરૂઆતમાં જ આકરો તાપ પડી રહ્યો છે. જેના પગલે લૂથી બચવા માટે લીંબુના શરબતનું વેચાણ તો વધ્યું છે પણ ઘરમાં પણ લીંબુનો ઉપયોગ વધ્યો છે. જેના કારણે બજારમાં લીંબુની માગ વધી છે. એક તરફ માગ વધી રહી છે અને બીજી તરફ ઉનાળાના કારણે લીંબુની આવકમાં ઘટાડો થયો છે. શહેરમાં ઠેર ઠેર લીંબુના શરબતનું વેચાણ પણ શરૂ થઇ ગયું છે. ત્યારે આવકમાં ઘટાડો અને વધુ માગના કારણે હોલસેલ માર્કેટમાં લીંબુના ભાવમાં થોડો ઘણો વધારો નોંધાયો છે. હોલસેલ બજારની વાત કરી એતો થોડા સમય પહેલા પ્રતિકિલો રૂ. ૪૦ના ભાવે મળતા લીંબુનો હોલસેલ ભાવ રૂ. ૬૦થી ૮૦ જેટલો થયો છે. જેની સામે રિટેલ માર્કેટનો ભાવ થોડા સમય પહેલા પ્રતિ કિલો રૂ. ૮૦થી ૧૦૦ જેટલો હતો. જે આજે ૨૦૦ને પાર પહોંચી ગયો છે.

વેપારીઓના જણાવ્યા અનુસાર, લીંબુના ભાવમાં હજુ વધારો થાય તેવી શક્યતા નકારી શકતી નથી. ગરમીથી બચવા અને લૂ ન લાગે તે માટે લીંબુનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. લીંબુ શરબત, લીંબુ સોડા વગેરેનો શહેરીજનો આગ્રહ રાખે છે. પરંતુ આ વર્ષે લીંબુયુક્ત ઠંડા પીણાંનો આગ્રહ મોંઘો પડશે તે નક્કી છે. કારણ કે, ઉનાળાના પ્રારંભે સ્વાસ્થ્યવર્ધક અને રોજિંદા ઉપયોગી થતા એવા લીંબુના ભાવ બમણા થઇ ગયા છે. જાેકે, હાલ ભાવ વધારા પાછળનું કારણ લીંબુની આવક સામે માગ વધારે હોવાનું જ છે.