06, ફેબ્રુઆરી 2022
396 |
વડોદરા, તા.૫
આગામી વિધાનસભાની ચૂંટણીમાં પોતાને ફરી ટિકિટ મળવાની જ નથી એવું સારી રીતે જાણી ચૂકેલા વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર સરકાર અને તંત્રને પડકાર ફેંકતો જાહેરમાં બફાટ કર્યો છે. આમ કરીને એ મતદારો ઉપર પ્રભાવ પાડી પોતાને ટિકિટ ન મળે તો પોતાની પુત્રીને અપક્ષ જીતાડવાની મથામણમાં પડયા છે. પરંતુ સરકાર કે તંત્ર હવે મધુ શ્રીવાસ્તવને ગંભીરતાથી લેતું નથી.
વાઘોડિયા વિધાનસભા મતવિસ્તારમાં આવતા જરોદ ગામમાં પંચાયતે દબાણો દૂર કરવાની આપેલી નોટિસના પગલે વેપારીઓની વહારે દોડી ગયેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સરકાર અને તંત્રને પડકાર ફેંકતાં જાહેરમાં જણાવ્યું હતું કે, ધારેલા કામ કરી શકે એને ધારાસભ્ય કહેવાય, હું ધારાસભ્ય છું ત્યાં સુધી ખાતરી આપું છું કે દબાણો હું તૂટવા નહીં દઉં, પછી ભલે સ્ટેટવાળા આવે કે તાલુકાવાળા આવે કે પછી પોલીસવાળા આવે, મેં કહી દીધું કે હું આવું છું એટલે તૂટવા નહીં દઉં, વાત પતી ગઈ. ચાહે કલેકટર આવે તો પણ તેની તાકાત નથી.
ખરેખર તો જરોદ ગામનો વિકાસ થતાં આસપાસના ગામોના લોકો ખરીદી માટે જરોદ આવતા હતા એટલે દુકાનદારોનો ધંધો વધ્યો હતો, પરંતુ દુકાનદારો, લારીધારકો અને પથારાવાળાઓએ જાહેર માર્ગ ઉપર ગેરકાયદેસર દબાણો કરતાં ટ્રાફિકને અડચણ થતી હતી અને દિવસે ને દિવસે આ સમયા ઘેરી બની હતી. પરિણામે ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવા વેપારીઓને સાત દિવસની મુદત આપતી નોટિસ ફટકારવામાં આવી હતી.આ નોટિસમાં વેપારીઓેને સાત દિવસમાં દબાણો દૂર નહીં કરે તો પંચાયત દૂર કરશે એવું જણાવતાં દબાણ કરનારા દુકાનદારો, કેબિનધારકો, લારીધારકોએ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો સંપર્ક કર્યો હતો અને ધારાસભ્યે આવીને પરિસ્થિતિ સમજ્યા વગર જ તંત્રને પડકાર ફેંકયો હતો. વાઘોડિયા તાલુકામાં અગાઉ વાઘોડિયામાં પણ ટ્રાફિકની સમસ્યા ઘેરી બનતાં ગેરકાયદે દબાણો દૂર કરી જાહેર માર્ગ ખૂલ્લો કરાયો હતો. જેમાં ભારદારી વાહનોને અવરજવરમાં કોઈ તકલીફ ન પડે એ માટે બધા જાહેર માર્ગો ઉપર પ૦૦ ઉપરાંત દુકાનો, કેબિનો, લારીઓના દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં.
જરોદમાં પણ દબાણોને કારણે ટ્રાફિકને અડચણ થતાં સ્થાનિક રહીશોએ જ તાલુકાકક્ષાએ વારંવાર રજૂઆત અને લેખિત અરજીઓ કરતાં અંતે ઉચ્ચ કક્ષાએથી સૂચના આવતા જરોદ પંચાયતે દબાણો દૂર કરવાનો નિર્ણય લીધો હતો. આ બધી પરિસ્થિતિથી ધારાસભ્ય વાકેફ હોવા છતાં ગેરકાયદેસર દબાણો બચાવવા ધારાસભ્ય મેદાને પડયા છે.
મધુ શ્રીવાસ્તવ વારંવાર બળવાના તેવર બતાવે છે
ભાજપાના જ ધારાસભ્ય હોવા છતાં વારંવાર બળવાની ધમકી આપનાર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને નિગમના ચેરમેન બનાવી ચૂપ કરી દેવાયા હતા. છેલ્લે રાજીનામું માગ લેતાં સરકારી ગાડી અને ચેરમેન પદ નહીં છોડવા અડગ રહ્યા બાદ ઉપરથી કડક સૂચના મળતાં ચૂપચાપ રાજીનામું આપી સરકારી ગાડી પરત કરવાની ફરજ પડી હતી.
વાઘોડિયામાં ધારાસભ્ય કેમ ચૂપ રહ્યા?
વાઘોડિયામાં જાહેર માર્ગને નડતર રૂપ પ૦૦ દુકાનો, કેબિનો, લારીઓના દબાણો દૂર કરાવ્યા ત્યારે દબંગ ધારાસભ્ય કેમ ચૂપ રહ્યા એવો સવાલ વાઘોડિયા પંથકના રાજકારણમાં ઊભો થયો છે. શું જરૂર પડે અપક્ષ તરીકે વિધાનસભાના ઉમેદવાર તરીકે પુત્રીને પ્રમોટ કરવા માટેનો પ્રયત્ન તો નથી ને એવી ચર્ચાએ પણ જિલ્લાના રાજકારણમાં જાેર પકડયું છે.