હિમાચલમાં વરસાદે કહેર વર્તાવ્યો, 1000 કરોડનું નુકસાન
16, જુલાઈ 2025 શિમલા   |   2871   |  

મૃત્યુઆંક વધીને 106 પર પહોંચ્યો,199 રસ્તાઓ બંધ

 હિમાચલ પ્રદેશમાં મંગળવારે શિમલા, બિલાસપુર અને સોલનમાં અનેક જગ્યાએ ભારે વરસાદ પડ્યો હતો. હવમાન વિભાગે આજે તા.16 જુલાઈએ ચંબા, કાંગડા, મંડી અને સિરમૌર જિલ્લામાં અમુક સ્થાન પર વાવાઝોડા સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર ભારે વરસાદમાં તા. 21 જુલાઈ સુધી વરસાદથી રાહત મળવાની શક્યતા નથી.

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ના જણાવ્યા અનુસાર, ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને કારણે જાન-માલને ભારે નુકસાન થયું હતું. આ સિવાય 20 જૂનથી 15 જુલાઈ સુધીમાં 106 લોકોના મોત નિપજ્યા છે. કુલ મૃત્યું આંકમાં 62 લોકો ભૂસ્ખલન, અચાનક પૂર, વાદળ ફાટવા, ડૂબવા, વીજળીનો પડવાના કારણે મોતને ભેટ્યા છે. જોકે, આ સમયગાળા દરમિયાન 44 લોકોના મોત માર્ગ દુર્ઘટનામાં થયાં છે.

વાદળ ફાટવાની ઘટનામાં 15, ઝાડ કે ભેખડ ધસી પડવાના કારણે 12, ડૂબવાથી 11, અચાનક પૂરમાં 8, વીજળીનો ઝટકો લાગવો અને સાપ કરડવાથી 5-5 અને ભૂસ્ખલ તેમજ આગ લાગવાના કારણે 1-1 મોત થયા છે. તમામ જિલ્લામાં માર્ગ દુર્ઘટનાઓમાં 44 મોત નિપજ્યા છે.

જ્યારે 384 ઘરો સંપૂર્ણપણે નુકસાન પામ્યા છે અને 666 ઘરો, 244 દુકાનો અને 850 પશુશાળાઓેને નુકસાન થયું છે. વરસાદ અને ભૂસ્ખલનને કારણે રાજ્યમાં 199 રસ્તાઓ ટ્રાફિક માટે બંધ છે, તેમને ખોલવાના પ્રયાસો ચાલી રહ્યા છે. મંડી જિલ્લામાં 141, કુલ્લુમાં 35, કાંગડામાં 10, સિરમૌરમાં આઠ, ઉનામાં ત્રણ અને ચંબામાં બે રસ્તાઓ બંધ છે. હિમાચલ સરકાર બંધ થયેલા તમામ રસ્તાઓ ખોલવાનો પ્રયાસ કરી રહી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution