પાકિસ્તાનની જેલમાં કેદ ઈમરાન ખાનની પૂર્વ પત્નીએ નવો રાજકીય પક્ષ બનાવ્યો
16, જુલાઈ 2025 કરાંચી   |   2376   |  

પાકિસ્તાનની વર્તમાન સરકારમાં વહીવટ યોગ્ય રીતે થઈ રહ્યો નથી

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન છેલ્લા બે વર્ષથી જેલમાં બંધ છે. જ્યારે તેની પૂર્વ પત્ની રેહમ ખાને એક નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી છે. મંગળવારે રેહમ ખાને કરાચીના પ્રેસ ક્લબમાં નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી હતી. જેને 'પાકિસ્તાન રિપબ્લિક પાર્ટી' નામ આપવામાં આવ્યું છે. ઈમરાન ખાનની પૂર્વ પત્ની દ્વારા નવા રાજકીય પક્ષની રચનાએ પાકિસ્તાનના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. તે ઈમરાન ખાનની પાર્ટીને આકરી ટક્કર આપશે કે કેમ તે જોવાનું રહ્યું.

નવા પક્ષનો પ્રારંભ કરતાં રેહમ ખાને જણાવ્યું કે, આ એક પાર્ટી નહીં પણ આંદોલન છે. અમે ઈચ્છીએ છીએ કે, યોગ્ય લોકો સંસદ અને વિધાનસભામાં પહોંચે. અમે કાયદામાં સુધારો કરવા માટે લડીશું. જેથી લોકોને સીધો ફાયદો થાય. અમારી લડાઈ મહિલાઓ અને ખેડૂતો માટે હશે. અમે ઈચ્છીશું કે, પાકિસ્તાનમાં એવી નીતિઓ ઘડવામાં આવે, જે સામાન્ય લોકોના હિતમાં હોય.

રેહમ ખાને એમપણ કહ્યું કે, સમગ્ર પાકિસ્તાન મારૂ ઘર અને ચૂંટણી ક્ષેત્ર છે. મારૂ આંદોલન રાજકીય નથી, પરંતુ હું સમાજમાં સુધારો કરવા માગુ છું. પાકિસ્તાનના લોકોમાં ફરીથી આશા, ગરિમા અને સન્માનની લાગણી જાગે તેવુ ઈચ્છુ છું. સામાન્ય લોકો પણ પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરી શકે. પાકિસ્તાનની વર્તમાન સરકારમાં વહીવટ યોગ્ય રીતે થઈ રહ્યો નથી. અહીં ત્યારે જ કામ થઈ રહ્યું છે, જ્યારે લોકો હેરાન-પરેશાન થાય અને રસ્તા પર ઉતરી આવે.

રેહમ ખાન ઈમરાન ખાનની બીજી પત્ની હતી. બંનેએ 2014માં લગ્ન કર્યા હતાં, પરંતુ 10 મહિના જ સાથે રહી શક્યા, બાદમાં છૂટેછેડા થઈ ગયા હતાં. રેહમ ખાન પાકિસ્તાની મૂળની છે. પણ તેનો પશ્તૂન પરિવાર વર્ષોથી લિબિયામાં રહેતો હતો. તે પોતે વર્ષો સુધી લંડનમાં રહી હતી. જ્યાં તે બીબીસીની પત્રકાર હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution