કર્ણાટક સરકારનો મોટો નિર્ણય, સિનેમા ટિકિટનો મહત્તમ ભાવ 200 રૂપિયા નક્કી કર્યો
16, જુલાઈ 2025 બેંગલુરૃ   |   2673   |  

રાજ્યના તમામ સિનેમાં હોલ, મલ્ટિપ્લેક્સમાં ટિકિટનો ભાવ 200 થી વધુ નહી

કર્ણાટક સરકારે રાજ્યભરમાં ફિલ્મની ટિકિટના ભાવ નક્કી કરવા માટે એક મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા આ સંદર્ભમાં એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નોટિફિકેશનમાં એમ કહ્યું છે કે, રાજ્યભરના તમામ સિનેમા હોલ અથવા મલ્ટિપ્લેક્સમાં ટિકિટનો ભાવ ₹ 200 થી વધુ ન હોઈ શકે. આ કિંમતમાં મનોરંજન કર પણ સામેલ કરવામાં આવશે.

સિનેમાને વધુ સસ્તું બનાવવા માટે કર્ણાટક સરકારે, કર્ણાટક સિનેમા નિયમ, 2014 માં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે હેઠળ મનોરંજન કર સહિત સિનેમા ટિકિટની મહત્તમ કિંમત પ્રતિ શો રૃપિયા 200 નક્કી કરવામાં આવશે. આ કિંમત રાજ્યના તમામ ભાષાઓના સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ અને ફિલ્મો પર લાગુ થશે. કર્ણાટક સિનેમા (નિયમન) (સુધારા) નિયમો, 2025 હેઠળ ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલ ડ્રાફ્ટ નોટિફિકેશન 15 જુલાઈના રોજ બહાર પાડવામાં આવ્યું છે. તેમજ કર્ણાટક સરકારે પ્રજા, થિયેટર માલિક અને સંબંધિત પક્ષો પાસેથી આ મામલે પ્રસ્તાવ મોકલીને 15 દિવસમાં વાંધા અને સૂચન માગ્યા છે.

ઉલ્લેખનિય છે કે, ટિકિટના ભાવ નિયંત્રિત કરવા અંગે ચર્ચાઓ ઘણા વર્ષોથી ચાલી રહી છે, પરંતુ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 2025-26ના બજેટમાં આ અંગે વાત કરી હતી અને સ્પષ્ટપણે ₹200ની મર્યાદાનો ઉલ્લેખ કર્યો હતો. આ પગલાનો ઉદ્દેશ્ય ખાસ કરીને શહેરી મલ્ટિપ્લેક્સમાં ટિકિટના ભાવમાં વધારો અટકાવવા અને સમાજના તમામ વર્ગો માટે સિનેમાની સમાન પહોંચ સુનિશ્ચિત કરવાનો છે.

આ નિયમ બેગલુરૃ જેવું મહાનગર હોય કે, નાનું શહેર કર્ણાટકના તમામ જિલ્લાઓમાં એકસરખું લાગુ થશે, આ નિર્ણયથી દર્શકોને મોટી રાહત મળશે, ખાસ કરીને જેઓ મોંઘી ટિકિટોને કારણે મલ્ટિપ્લેક્સમાં ફિલ્મો જોવાનું ટાળે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution