વડોદરા : વડોદરાના ગરબા સાથે મેરેથોન પણ દેશમાં ઓળખ બની ગયું છે ત્યારે સામાજિક સંદેશ અને સામાજિક કાર્ય સાથે યોજાતી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન સમાજને જરૂર હોય ત્યારે આગળ આવી સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવતા આવ્યું છે. હાલ કોરોના મહામારી વચ્ચે જરૂરિયાતમંદ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે હેતુથી વડોદરા મેરેથોન દ્વારા સયાજી હોસ્પિટલ અને ગોત્રી મેડિકલ હોસ્પિટલ ખાતે બે વેન્ટિલેટર મશીન આપવામાં આવ્યા છે. વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું કે, રમતગમત, સેવા, સ્વચ્છતા એ વડોદરા મેરેથોનનું સૂત્ર છે અને અમે સ્થાનિક સામાજિક અને નાગરિક પહેલ સાથે પોતાની કાર્યનિષ્ઠા નિભાવતા રહીએ છીએ. વડોદરા મેરેથોને તાજેતરમાં એસએસજી હોસ્પિટલ અને જીએમઇએસ હોસ્પિટલને કોવિડ દર્દીઓની સારવારમાં મદદ કરવા માટે બે વેન્ટિલેટર ડોનેટ કર્યા છે. વડોદરા મેરેથોન તમામ કોવિડ દર્દીઓની ઝડપથી રિકવરીની ઇચ્છા રાખે છે અને અમારા વિચારો અને પ્રાર્થના એવા લોકોના પરિવાર સાથે છે કે જેમણે આ રોગચાળાથી પોતાનો જીવ ગુમાવ્યો છે.