વડોદરા મહાનગર પાલિકાએ 14 કરોડના ખર્ચે દિવાલ પર પાડી તિરાડો
19, ઓગ્સ્ટ 2020

વડોદરા-

મહાનગર સેવા સદન દ્વારા સ્માર્ટ સિટીના ભાગરૂપે શહેરના તળાવોનું બ્યુટીફિકેશન કરવાની શરૂઆત કરવામાં આવી હતી. જે પૈકી છાણી ગામના તળાવનું રૂપિયા 14 કરોડના ખર્ચે બ્યુટીફિકેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવ્યું હતું. હજુ આ તળાવનું કામ પૂરું થયું નથી, ત્યાં જ તળાવની ચારે તરફ બનાવવામાં આવેલી સેફ્ટી દિવાલોમાં ગાબડાં પડી ગયાં છે. જેથી ગામ લોકોએ કોર્પોરેશનના વહિવટ સામે સવાલો ઉભા કર્યા છે. જાેકે સ્થાયી સમિતીના અધ્યક્ષે તમામ આરોપો પાયા વિહોણા ગણાવ્યાં હતાં. સ્થાનિક જાગૃત યુવાને જણાવ્યું હતું કે, છાણી ગામના તળાવનું ખાત મુહૂર્ત નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે કરવામાં આવ્યું હતું. રૂપિયા 14 કરોડના ખર્ચે તળાવનું બ્યુટીફિકેશન કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

અઢી વર્ષમાં આ કામ પૂર્ણ કરવાનું હતું. પરંતુ, કામની સમય મર્યાદા પૂરી થાય તે પહેલાં જ તળાવની ચારે તરફ બનાવવામાં આવેલી સેફ્ટી વોલમાં ગાબડાં પડી ગયા છે. હલકી કક્ષાના કામ કરનાર સામે કોર્પોરેશન દ્વારા પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, છાણી ગામના ભાજપાના કાઉન્સિલર સતીષ પટેલ છે. સાથે તેઓ વડોદરા મહાનગર સેવા સદનમાં મહત્વની ગણાતી સ્થાયી સમિતીના અધ્યક્ષ છે. તેઓના જ ગામના તળાવમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી હલકી કામગીરીએ અનેક સવાલો ઉભા થયા છે. ગામ લોકોએ એવા પણ આક્ષેપ કર્યા છે કે, સ્થાયી સમિતીના અધ્યક્ષ અમારા ગામના છે. અને તેઓ અવાર-નવાર તળાવની કામગીરીની વિઝીટ લેવા માટે જતા હતા. તો તેઓએ કોન્ટ્રાક્ટર દ્વારા થતી કામગીરીનું નિરીક્ષણ કેવું કર્યું ? તે એક સવાલ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution