અમદાવાદ, ગુજરાતમાં બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ ચાલી રહી છે. દરમિયાનમાં ધોરણ ૧૦નું બોર્ડની પરીક્ષાનું પેપર વાયરલ થયુ છે. ધોરણ ૧૦ નું હિન્દીનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું છે. પેપર પૂરુ થવાના અડધો કલાક પહેલા સોશિયલ મીડિયા પેપર ફરતું થયું છે. રસપ્રદ બાબત એ છે કે, આ પેપર હાથથી સોલ્વ કરાયેલું છે. પેપર ફેસબુક પેજ પરથી વાયરલ થયું છે. જેમાં લખ્યું છે કે, ધોરણ ૧૦ નું પેપર પૂરું થવાને હજી અડધા કલાકની વાર છે પણ કોઈ અજાણ્યા નંબર પરથી આ પેપર વોટ્‌સએપ પર મળ્યું છે. આમ, પરીક્ષા પૂર્ણ થવાના ૩૦ મિનિટ પહેલા સોશિયલ મીડિયામાં પેપર વહેતું થયું છે. શિક્ષણ બોર્ડે તપાસ શરૂ કરી છે.પરીક્ષાના સમય દરમિયાન જ પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. પેપરનો સમય પૂર્ણ થાય તે પહેલાં પેપર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. સોલ્વ કરેલું પેપર અને આજે પુછાયેલું પેપર એક સરખું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦માં હિન્દીના પેપરના જવાબો ફરતા થયાની ઘટના બાદ શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગંભીરતાથી લેવાઈ છે. દરેક જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીને તપાસના આદેશ અપાયા છે. પેપર વાયરલ મામલે કોંગ્રેસે સરકાર પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસે કહ્યુ કે, રાજ્યના શિક્ષણ મંત્રીના દાવાઓને પડકારતી ઘટના બની છે. હવે હંમેશાની જેમ સરકાર અને બોર્ડની તપાસ કરવાની જૂની કેસેટ વાગશે. ભ્રષ્ટાચારના ફાયબર ઓપ્ટિકના કારણે બાળકોનું ભવિષ્ય ખતરામાં છે. રાજ્યના શિક્ષણ મંત્રી આની સીધી જવાબદારી સ્વીકારે. રાજ્ય સરકારના પ્રવક્તા તરીકે પણ આ મામલે જવાબ આપે તેવી માંગણી કરી છે.