રાજપીપળા,તા.૨૨ 

રાજપીપળા સહિતના વિસ્તારોમાં લાઈટો ડુલ થવાના પ્રશ્ને નર્મદા કલેકટર મનોજ કોઠારીએ વીજ કંપનીના અધિકારીઓનો થોડા દિવસો પેહલા જ ઉધડો લીધો હતો, વીજ કંપનીના અધિકારીઓને પ્રશ્ન હલ કરવા ૨ દિવસનું અલટીમેટમ આપ્યું હતું.તે છતાં લાઈટો ડુલ થતા રાજપીપળાની પ્રજાએ પોતાની ધીરજ ગુમાવી હતી અને ગુસ્સે ભરાયેલી મહિલાઓ સહિત અન્ય લોકો રાજપીપળા વીજ કંપનીની ઓફિસ પર આવી એક્સિક્યુટિવ એન્જીનિયરને ઘેરી લઈ હલ્લા બોલ મચાવ્યો હતો.

રાજપીપળાના લોકો અને એક્સિક્યુટિવ એન્જીનિયર એ.જી.પટેલ વચ્ચે તું તું મેં મેં ના દ્રશ્યો સર્જાતા મામલો ગરમાયો હતો, દરમિયાન એક્સિક્યુટિવ એન્જીનિયરે કહ્યું કે જો તમે સોશિયલ ડિસ્ટન્સ નહિ જાળવો તો મારે છેલ્લે પોલીસ બોલાવવી પડશે.અધિકારીએ પોલિસની ધમકી આપતા ગુસ્સે ભરાયેલા લોકોએ પણ અધિકારીને કહ્યું કે “ધમકી ન આપશો બોલાવો પોલીસ બોલાવવી હોય તો અમે અહીંયાંથી નહિ હટીએ”.જોત જોતામાં વાતાવરણ તંગ બન્યું હતું.વીજ કંપનીના અધિકારી કે પ્રજા બન્નેવમાંથી કોઈ નમતું જોખવા તૈયાર ન હતું.

એક્સિક્યુટિવ એન્જીનિયરને લોકોએ ફરિયાદ કરતા જણાવ્યું કે અમે તમારા ફરિયાદ કેન્દ્ર પર જઈએ તો ત્યાં બેસેલા કર્મચારી અમને એમ કહે છે કે તમે જ થાંભલે ચઢી જોઈ લો કે લાઈટો કેમ ગઈ છે.તમારા કર્મચારીઓ ફરિયાદ કેન્દ્ર પર મોબાઈલ પર મસ્ત હોય છે.અમે સમય કરતાં મોડુ બિલ ભરીએ તો તમે અમારી પાસે દંડ લો છો અમેં તમારા તરફથી એવી સર્વિસની પણ આશા રાખીએ.

રાજપીપળા વીજ કંપનીના એક્સિક્યુટિવ એન્જીનિયર એ.જી.પટેલે જણાવ્યું હતું કે અમે ૨૨/૭૨૦૨૦ ના રોજ સવારે ૮ થી બપોરે ૨ વાગ્યા સુધી સટ ડાઉન અંગેનું એક જાહેર અખબારમાં જાહેરાત પણ આપી હતી.