વડોદરા-

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના આઈસીયુ-૧માં ધમણ-૧ વેન્ટિલેટરમાં લાગેલી આગની ઘટનાને ૨૩ દિવસનો સમય વિત્યો હોવા છતાં હજી પણ તપાસ કમિટી આગના બનાવ અંગેનો રિપોર્ટ સબમિટ કરી શકી નથી, જેના કારણે તપાસ કમિટી સામે અનેક સવાલો ઉભા થયા છે. ૮ સપ્ટેમ્બરના દિવસે સયાજી હોસ્પિટલમાં લાગેલી આગમાં ૪૦ દર્દીઓના જીવ જાેખમમાં મૂકાયા હતા. જાેકે સદનસીબે મોટી જાનહાની ટળી ગઇ હતી. વડોદરાની સયાજી હોસ્પિટલમાં આગ લાગવાના મામલે કમિટીની રચના કરવામાં આવી હતી. તપાસ કમિટીએ ઘટના સ્થળે જઇને મુલાકાત લીધી હતી.

સયાજી હોસ્પિટલના કોવિડ આઈસીયુ વિભાગમાં જઇને ટીમે તપાસ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ તપાસ કમિટી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં બનાવવામાં આવી હતી. આગમાં બળી ગયેલા વેન્ટિલેટરની તપાસ ટીમે કરી છે. આ ઉપરાંત અન્ય સાધનો પણ કમિટીએ ચકાસ્યા હતા અને ૪ દિવસમાં તપાસ કમિટીએ આ મામલે રિપોર્ટ રજૂ કરવાનો હતો. પરંતુ આ બનાવને ૨૩ દિવસનો સમય વિત્યો હોવા છતાં તપાસ કમિટી રિપોર્ટ રજૂ ન કરી શકતા અનેક સવાલો ઉભા થયા છે. તપાસ કમિટીના અધ્યક્ષ સુધીર પટેલે જણાવ્યું હતું કે, એફએસએલના રિપોર્ટ ની રાહ જાેવાઇ રહી છે અને તબીબના નિવેદનો લેવાના બાકી છે,

ત્યારે અહીં સવાલ એ ઉભો થાય છે કે સયાજી હોસ્પિટલમાં આગ લાગવાના આ ગંભીર બનાવ સામે તપાસમાં વિલંબ થતાં કમિટી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે, બનાવના ૪ દિવસમાં કમિટી આ સમગ્ર ઘટનાનો રિપોર્ટ સુપરત કરવાનો હતો. કમિટીએ આ મામલે હોસ્પિટલ સ્ટાફના નિવેદનો લીધા હતા. આ ઉપરાંત કમિટીએ ધમણ વેન્ટિલેટર અંગે પણ તપાસ શરૂ કરી હતી. હોસ્પિટલની ઇલેક્ટ્રિક સિસ્ટમની પણ કમિટીએ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ તપાસમાં ધમણ વેન્ટિલેટર હોવાને કારણે વિલંબ થઈ રહ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.