વાડી પોલીસ મથકનો પીએસઆઇ રૂા .૧૦ હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો
10, સપ્ટેમ્બર 2020

વડોદરા : પ્રતાપનગર વિસ્તારની એક મહિલા બૂટલેગરનું ઉપરાણું લઈને નિર્દોષ નાગરિકને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી પતાવટ માટે ૫૦ હજારની લાંચ માંગ્યા બાદ ૧૦ હજાર રૂપિયા લેતા વાડી પોલીસમથકનો પી.એસ.આઈ રાહુલ પરમાર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાઇ ગયો હતો. જેની એસીબીએ ધરપકડ કરી હતી. શહેરમાં રહેતા ફરિયાદીના કારખાનાવાળી જગ્યા પર અન્ય વ્યક્તિએ અવરોધ ઊભો કર્યો હતો, જે અંગેની ફરિયાદીએ અરજી કરી હતી, જે અરજી સામે અવરોધ ઊભો કરનારા વ્યક્તિએ પણ ફરિયાદી વિરૂદ્ધ એટ્રોસિટીની અરજી કરી હતી. આ બન્ને અરજીની તપાસ કરી રહેલા પી.એસ.આઈ રાહુલકુમાર પરમાર(રહે, એમઆઇજી ફ્લેટ, જ્યુપિટર ચોકડી પાસે, માંજલપુર)એ અરજીના નિકાલ માટે ફરિયાદી પાસે ૫૦ હજાર રૂપિયાની લાંચ માગી હતી જે રકઝકના અંતે રૂપિયા ૧૦ હજાર લેવાનું નક્કી કર્યું હતું. આ અંગેના ઓડિયો અને વિડીયો સહિતના પુરાવાઓ ફરિયાદીએ એસીબીને આપતા એસીબીની ટીમે વાડી પોલીસ સ્ટેશનની ડભોઇયા પોલીસ ચોકી ખાતે છટકું ગોઠવ્યું હતું અને પીએસઆઇને ફરિયાદી પાસેથી ૧૦ હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો. 

એસીબીના છટકામાં લાચની રકમ સ્વીકારતા ઝડપાયેલો પીએસઆઇ રાહુલ કુમાર પરમાર લક્ઝુરિયસ કારનો શોખીન હોવાનું જાણવા મળ્યું છે. દર વર્ષે તે નવી કાર ફેરવતો હોવાની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી હતી, ત્યારે લાંચિયા પીએસઆઇએ લાંચની રકમથી કેટલી અપ્રમાણસરની મિલકત વસાવી છે તે દિશામાં પણ એસીબીએ તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution