વડોદરા, તા.૧૬

વડોદરા શહેર-જિલ્લાની વિધાનસભાની ૧૦ બેઠકો પૈકી વડોદરા શહેરની ૧ અને જિલ્લાની ૩ બેઠકો ઉપર કોકડું ગૂંચવાતાં કોંગ્રેસે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ ન હતી. આવતીકાલે ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ છે ત્યારે વડોદરા શહેર-વાડીની બેઠક ઉપર ગુણવંત પરમારને ટિકિટ આપવામાં આવી છે.

કોંગ્રેસ દ્વારા વડોદરા શહેરની પ પૈકી ૪ બેઠકો ઉપર તેના ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ હતી. પરંતુ શહેર-વાડીની બેઠક ઉપર ગુણવંત પરમાર અને અનિલ પરમાર સહિત કેટલાક દાવેદારોએ ટિકિટ માંગી હતી. આ બેઠક ઉપરાંત જિલ્લાની સાવલી, કરજણ અને પાદરા બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. જાે કે, પાદરા બેઠક ઉપર ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારને ટિકિટ અપાશે તે નિશ્ચિત મનાતું હતું. જ્યારે સાવલી બેઠક ઉપર પણ ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા અને બરોડા ડેરીના ડિરેકટર કુલદીપસિંહ રાઉલજીનું નામ નિશ્ચિત મનાતું હતું. જ્યારે કરજણ બેઠક ઉપર પણ ભાજપથી નારાજ સતીષ પટેલને ટિકિટ અપાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી હતી. જાે કે, કોંગ્રેસે આજે તેના બાકી રહેલા ૪ ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી, જેમાં સાવલી બેઠક ઉપર કુલદીપસિંહ રાઉલજી, શહેર-વાડી બેઠક ઉપર ગુણવંત પરમાર, પાદરા બેઠક ઉપર જશપાલ પઢિયાર અને કરજણ બેઠક ઉપર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રિતેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે.