આણંદ : સેંકડો વર્ષે એકાદ વખત જાેવા મળતી ખગોળીય ઘટના સોમવારે બની હતી. આ ઘટનામાં ગુરૂ અને શનિ બંને ગ્રહો એકબીજાની નજીક દેખાયાં હતાં. આ ઘટનાને મહાયુતિ તરીકે ઓળખવામાં આવે છે. આ દુર્લભ ઘટનાને નજરોનજર નિહાળવાનો મોકો ચરોતરના નાગરિકોને મળ્યો હતો. વિદ્યાનગરમાં આવેલી સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લિન્ક આપીને મહાયુતિને નિહાળવાનું વચ્ર્યૂઅલ આયોજન કરાયું હતું. આ ઘટનાને ઓનલાઇન ૨૫૦૦થી ૩ હજાર લોકોએ નિહાળી હતી. આ ઘટનાનો લહાવો લેવાનું જે લોકો ચૂકી ગયાં હતાં તેણે હવે ૪૦ વર્ષ સુધી ફરી આવી યુતિ સર્જાઈ તેની રાહ જાેવી પડશે. ખગોળશાસ્ત્રીઓના મતે આગામી ૨ નવેમ્બર, ૨૦૪૦ કે ૦૭ એપ્રિલ ૨૦૬૦માં પુનઃ આ ઘટના બનશે. જાેકે, એ સમયે બંને ગ્રહ આટલા નજીક નહીં હોય. એ સમયે તેમની વચ્ચેનું અંતર ૧૧ અંશ અર્થાત આ વખતે હતું તેનાથી ૧૧ ગણું વધુ હશે. ગુરૂ તથા શનિ બંને ગ્રહ આશરે ૪ સદી પછી પ્રથમ વખત નજીક આવ્યાં હતાં. વર્ષ ૨૦૨૦માં અનેક ઊથલપાથળ પછી આ ઘટનાને ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ ખૂબ જ આવકારદાયક માનવામાં આવે છે. બે આકાશીય પદાર્થો એકબીજાની નજીક આવે તેને મહાયુતિ કહેવામાં આવે છે. ગુરૂ અને શનિ બંને ગ્રહો એકબીજાથી માત્ર ૦.૧ અંશ જેટલાં જ દૂર રહ્યાં હતા. આ ઘટનાને નિહાળનારાં લોકોનું કહેવું છે કે, બંને મળીને જાણે એક તારો હોય તેવું દૃશ્ય સર્જાયું હતું.