અમદાવાદ, તા. ૬ 

નવરંગપુરામાં આવેલી શ્રેય હાૅસ્પિટલમા ચોથેમાળે આવેલા આઇસીયુમાં આગ લાગતા આઠ દર્દીઓ બળીને ભડથુ થઇ ગયા છે. આ ગોઝારી ઘટનામાં રાજ્યનાં મુખ્યમંત્રીએ ૩ દિવસમાં તપાસ કરીને તાત્કાલિક આપવા માટે આદેશ કર્યો છે.આ સાથે પીએમઓએ ટિ્‌વટ કરીને જણાવ્યું છે કે, પીએમ ફંડમાંથી મૃતકોને બે લાખ અને ઇજાગ્રસ્તોને પચાસ હજારની સહાયની જાહેરાત કરી છે. આ દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ આઈએએસ અધિકારી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીની નિયુક્તિ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની અંગેની તલસ્પર્શી તપાસ ૩ દિવસમાં કરીને આ ઘટના કઈ રીતે બની તેમજ તેની પાછળ જવાબદાર લોકો સહિતનો અહેવાલ રાજ્ય સરકારને તાત્કાલિક આપવા આદેશ કરેલ છે. આ અંગે આરોગ્ય સચિવ જયંતિ રવિ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હાલ આ ઘટનાને લઈને ખુબ જ દુઃખ છે, પરંતુ વધુ કોઈ મોત ન થાય એની ચિંતા સતાવી રહી છે. આ ઘટનામાં જવાબદારો સામે કડક પગલાં લેવાશે. તમામ વસ્તુઓની તપાસ થઈ રહી છે. તપાસ કરવા માટે અમે ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક આવ્યા છીએ. સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરાશે. રાજીવ ગુપ્તાએ મીડિયાને જણાવ્યું કે, આશરે સાડા ત્રણ વાગે આ હાૅસ્પિટલનું આઇસીયુનું યુનિટ છે ત્યાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી. આ પ્રાથમિક કારણ છે. આગ બુઝાવવાનાં પ્રયત્નો ત્યાંના પેરામેડિક્સ હતા તેમણે કર્યો પરંતુ આગ વધી અને દર્દીઓના મૃત્યુ થયા છે. મૃતકોમાં ૫ પુરૂષ અને ૩ મહિલા છે. જે પેરામિડિકે આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો તેને ઇજા પહોંચી છે. આ શ્રેય હાૅસ્પટિલને રાજ્ય સરકાર દ્વારા કોવિડ હાૅસ્પિટલ તરીકે નોટીફાઇ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારનાં એડિશનલ ચીફ સેક્રેટરી, અર્બન ડેવલોપમેન્ટની આગેવાનીમાં એક સમિતિ બનાવવામાં આવી છે.