વડોદરા, તા.૩

આજવાથી વધારાનું પાણી મળી રહે અને પૂર્વ-દક્ષિણના ૧૦ લાખ લોકોના પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તે માટેની કામગીરી નહીં કરનાર વેલજી રત્ના સોરઠિયાને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત મુલત્વી રાખ્યા બાદ એજન્ડા પર ચઢાવી ન હતી. જાે કે, ‘લોકસત્તા-જનસત્તા’ની ઝુંબેશને લઈને લોકોના વેરાની કમાઈના નાણાંનો વેડફાટ કરવાની ગોઠવણ ઊંધી પડી હતી અને કોન્ટ્રાકટરે એકપણ રૂપિયાના ભાવવધારા વગર કામ કરવાની તૈયારી દર્શાવી હતી. આમ, ૧૦ કરોડનો ભાવવધારો આપવાની ગોઠવણ કરનાર ભાજપના નેતાઓ ઊંધા માથે પછડાયા હતા.

વડોદરા કોર્પોેરેશન દ્વારા આજવાથી નિમેટા જૂની ગાયકવાડી સમયની લાઈન બદલી નવી ૧૫૨૪ મિ.મી.ની લાઈન નાખવા અને નિમેટા ખાતે નવો વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી નહીં કરનાર કોન્ટ્રાકટરને ૩૫થી વધુ નોટિસ આપ્યા બાદ બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મોકલાઈ હતી. જાે કે, આ દરખાસ્ત મુલત્વી રાખ્યા બાદ કોન્ટ્રાકટરને બોલાવી ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કોન્ટ્રાકટરે સમય માગ્યો હતો. મળતી વિગતો મુજબ કોન્ટ્રાકટર વેલજી રત્ના સોરઠિયાએ એકપણ રૂપિયાના ભાવવધારા વગર આ કામગીરી કરવા તૈયારી દર્શાવી આ અંગે કોર્પોરેશનને પત્ર પણ લખ્યો છે. તો બીજી તરફ આ મામલે ૧૦ કરોડનો ભાવવધારો આપવાની ગોઠવણ કરનાર ભાજપના નેતાઓ ઊંધા માથે પછડાયા હતા.

કોન્ટ્રાકટરે કામ કરવા માટે શરત મૂકી

કોન્ટ્રાકટર વેલજી રત્ના સોરઠિયાએ ભાવવધારા વગર કામગીરી કરવા સંમતિ સાથે પત્ર કોર્પોરેશનને આપ્યો છે. જેમાં બે શરતોમાં અત્યાર સુધી કામગીરી નથી કરી, જેથી સમયમર્યાદા વધારી ડિસેમ્બર, ૨૦૨૪ કરી આપો, જ્યારે કામગીરીમાં વિલંબ થયો છે તેની કોઈ પેનલ્ટી નહીં કરવી. હવે કોર્પોરેશન સ્વીકારે છે કેમ? તે જાેવાનું રહ્યું.

બે દિવસથી પત્ર આપ્યો છે, છતાં સ્થાયી સમિતિ કેમ છૂપાવે છે?

કોન્ટ્રાકટરે બે દિવસ પહેલાં કોર્પોરેશનને પત્ર આપ્યો છે. તો આજે મળેલી સ્થાયી સમિતિમાં વધારાના કામ તરીકે સમાવી ઠરાવ કરીને મોકલવાનો હતો, અથવા પત્ર સાથે પુરવણી દરખાસ્ત લાવવી પડે. પરંતુ ૧૦ લાખ નાગરિકોની ચિંતા કર્યા વગર સ્થાયી સમિતિમાં આ મુદ્‌ે હરફસુધ્ધાં ઉચ્ચારવામાં નહીં આવ્યો હોવાનું જાણવા મળે છે.

કોન્ટ્રાકટરે કરેલી ખરાબ કામગીરીનું હવે શું?

કોન્ટ્રાકટરે ૮૮૪૮ ૨ મી.ની કામગીરી કરવાની હતી, જે પૈકી ૨૮૨૨ ર મી. પાઈપ નાખી છે, જે પાઈપ નાખી છે તેમાં રાયણ તલાવડી પાસે ૨૫૦ મી. પાઈપ લેવલ વિરુદ્ધની કામગીરી છે. ઉપરાંત જાેઈન્ટમાં એપોક્સ કોટિંગ કર્યા નથી, જેની નોંધ કાર્યાલય નોંધના પાના નં. પપ પર જાેવા મળે છે. હવે કોન્ટ્રાકટરે સંમતિ આપી છે, પરંતુ પેનલ્ટી નહીં કરવાની શરત મૂકી છે. ત્યારે આ કામગીરી સુધારવામાં આવશે કે વિવાદ પર પડદો પાડી દેવામાં આવશે?